દિલ્હી-NCRમાં વરસાદને કારણે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ ના ટર્મિનલ-1 પર શુક્રવારે સવારે 5 વાગ્યે પાર્કિંગની છત તૂટી પડી હતી. દુર્ઘટનામાં કારમાં બેઠેલા કેબ ડ્રાઈવરનું મોત થયું છે જ્યારે 5 ઘાયલ થયા છે. ઘાયલોને મેદાંતા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. એરપોર્ટ પર ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ બચાવ કામગીરીમાં લાગેલી છે.
દિલ્હી ફાયર સર્વિસ (DFS)ના અધિકારીઓએ જણાવ્યું કે, સવારે ટર્મિનલ-1 પર ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે પાર્કિંગ એરિયામાં વાહનોની લાંબી લાઈનો હતી. આ દરમિયાન છત તૂટી પડી હતી. છતનો ભારે ભાગ અને ત્રણ લોખંડના આધાર બીમ વાહનો પર પડ્યા હતા. આ દરમિયાન અહીં પાર્ક કરેલી કાર નીચે દબાઈ ગઈ હતી. નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુએ પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે X પર લખ્યું, ‘હું વ્યક્તિગત રીતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છું. તમામ એરલાઈન્સને ટર્મિનલ 1 પર અસરગ્રસ્ત મુસાફરોને મદદ કરવાની સલાહ આપવામાં આવી છે. રેસ્ક્યુ ટીમ સ્થળ પર કામ કરી રહી છે. બચાવકાર્ય હજુ પણ ચાલુ છે. આગામી આદેશ સુધી ફ્લાઇટ્સ ઓપરેશન સસ્પેન્ડ છે.