હવામાન વિભાગે આગામી ચાર દિવસને લઈને રાજ્યમાં વરસાદની આગાહી દર્શાવી છે. રાજ્યના દક્ષિણ ભાગમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હોવાથી તથા દક્ષિણ ગુજરાતમાં એક ઓફશોર ટ્રફ સર્જાયો હોવાથી આજે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.
આજે સવારે 6 વાગ્યે પુરા થતાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 141 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દાંતામાં 8 ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત વડગામમાં પણ 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં સિઝનનો એવરેજ 21.14 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં 29 ટકા વરસાદ નોંધાયો છે.
આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સોરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.