ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ચીફ ડૉ. આરવી અશોકને શુક્રવારે સુપ્રીમ કોર્ટ વિરુદ્ધ મીડિયામાં આપેલા નિવેદન માટે માફી માગી હતી. એસોસિએશન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અશોકને તેમના નિવેદન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે તેઓ સુપ્રીમ કોર્ટની ગરિમાને ઠેસ પહોંચાડવા માગતા નથી.
હકીકતમાં, 23 એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટે પતંજલિ ભ્રામક જાહેરાત કેસને લઈને પતંજલિ અને IMAને ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું હતું કે, IMAએ તેના ડૉક્ટરો પર પણ વિચાર કરવો જોઈએ, જેઓ ઘણીવાર દર્દીઓને મોંઘી અને બિનજરૂરી દવાઓ લખે છે. જો તમે કોઈની તરફ એક આંગળી ચીંધો છો, તો ચાર આંગળીઓ પણ તમારી તરફ ઈશારો કરે છે.
IMA ચીફે સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. 29 એપ્રિલે એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું- સુપ્રીમ કોર્ટે ડોક્ટરોનું મનોબળ તોડ્યું છે. IMA ચીફના આ નિવેદન પર પતંજલિના ચેરમેન બાલકૃષ્ણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે, અશોકને કાયદાની ગરિમા ઓછી કરી છે. આ પછી IMA ચીફે કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી અને બિનશરતી માફી પણ માગી. જોકે, કોર્ટે માફી નામંજૂર કરી હતી.