કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે એટલે કે, 8 જુલાઈએ મણિપુર અને આસામના પ્રવાસે રવાના થઈ ગયા છે. આ દરમિયાન તેઓ બંને રાજ્યોના અલગ-અલગ જિલ્લામાં હિંસા અને પૂરથી પ્રભાવિત લોકોને મળશે. મણિપુર કોંગ્રેસના પ્રમુખ કે. મેઘચંદ્રના જણાવ્યા અનુસાર રાહુલ પહેલા દિલ્હીથી સિલચર અને ત્યાંથી જીરીબામ જિલ્લામાં જશે.
મે 2023માં હિંસા શરૂ થયા બાદ રાહુલની મણિપુરની આ ત્રીજી મુલાકાત હશે. આ પહેલા રાહુલે જાન્યુઆરી 2024માં મણિપુરના થોબલથી ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી હતી. અહેવાલો અનુસાર રાહુલ ગાંધી મોઇરાંગ અને ચુરાચંદપુરમાં બનેલા રાહત શિબિરોની મુલાકાત લેશે. તેઓ અહીં પીડિતોને મળશે અને તેમની ખબર-અંતર પૂછશે. પ્રદેશ કોંગ્રેસ અનુસાર, રાહુલ રાજ્યના કેટલાક અન્ય જિલ્લાઓની પણ મુલાકાત લઈ શકે છે અને હિંસા પ્રભાવિત પરિવારોને મળી શકે છે. આસામ પ્રવાસ દરમિયાન રાહુલ કચર જિલ્લાના સિલચરમાં કુંભીગ્રામ એરપોર્ટ પર રોકાશે. અહીંથી તે લખીપુરમાં પૂર રાહત શિબિરમાં જશે અને ત્યાં આશ્રય લઈ રહેલા લોકો સાથે વાત કરશે. આ શિબિર એ માર્ગ પર છે જ્યાંથી રાહુલ ગાંધી મણિપુરના જીરીબામ જિલ્લામાં પહોંચશે.