પેરિસ ઓલિમ્પિક 2024 માટે ભારતીય શૂટર ગગન નારંગને ભારતીય ઓલિમ્પિક એસોસિએશને મોટી જવાબદારી આપી છે. ચાર વખતના ઓલિમ્પિયન અને 2012 ઓલિમ્પિક ગેમ્સમાં પુરુષોની 10 મીટર એર રાઇફલ બ્રોન્ઝ મેડલ વિજેતા ગગન નારંગને 26 જુલાઈથી શરૂ થનારી પેરિસ 2024 ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા માટે ભારતીય ટુકડીના શેફ-ડી-કેમ્પ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એમસી મેરી કોમના સ્થાને ગગન નારંગની પસંદગી કરવામાં આવી છે.
ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ ડૉ. પી.ટી. ઉષાએ આજે જણાવ્યું હતું કે મેરી કોમના રાજીનામા પછી 41 વર્ષીય ગગન નારંગને ડેપ્યુટી શેફ-ડી-મિશનના પદ પર બઢતી આપવામાં આવી છે. હું આપણી (ભારતની) ટુકડીનું નેતૃત્વ કરવા માટે ઓલિમ્પિક ચંદ્રક વિજેતાની શોધમાં હતી અને મારી યુવા સાથી મેરી કોમના સ્થાને ગગન નારંગ યોગ્ય છે.”
ડો. પી.ટી.ઉષાએ કહ્યું, “મને એ જાહેરાત કરતાં પણ આનંદ થાય છે કે બે ઓલિમ્પિક મેડલ જીતનારી ભારતની એકમાત્ર મહિલા એથ્લેટ, પીવી સિંધુ, ટેબલ ટેનિસના દિગ્ગજ એ. શરથ કમલ સાથે ઓપનિંગ સેરેમનીમાં મહિલા ધ્વજવાહક હશે. મને વિશ્વાસ છે કે આપણા એથ્લેટ્સ પેરિસ 2024 ઓલિમ્પિક ગેમ્સમાં ભારત માટે શ્રેષ્ઠ પરિણામો આપવા માટે સારી રીતે તૈયાર છે.