મ્યાનમારમાં લઘુમતી આદિવાસી વિદ્રોહી જૂથ અરાકાને સૈન્ય શાસન સામે ચાલી રહેલી લડાઈમાં એક એરપોર્ટ પર કબજો કરી લીધો છે. થંડવે નામનું આ એરપોર્ટ મ્યાનમારના પશ્ચિમી પ્રાંત રખાઈનના દક્ષિણ ભાગમાં આવેલું છે. તેને મા જિન એરપોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. દેશના સૌથી મોટા શહેર યાંગોનથી તેનું અંતર 260 કિમી છે.
મ્યાનમારમાં સૈન્ય શાસન લાદવામાં આવ્યા બાદ બળવાખોર જૂથ દ્વારા કબજે કરવામાં આવેલ થંડવે એરપોર્ટ પ્રથમ સ્થાન છે. આ એરપોર્ટ દેશના સૌથી મહત્વપૂર્ણ દરિયા કિનારે આવેલા રિસોર્ટમાં સેવા આપે છે. એરપોર્ટ પર કબજો મેળવતા અરાકાન આર્મી માટે રખાઈન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો પર કબજો કરવાનો માર્ગ ખુલી ગયો છે. અરાકાન આર્મીનો આ વિસ્તારના ઉત્તરીય ભાગ પર પહેલેથી જ નિયંત્રણ છે.
રખાઈન રાજ્યના રહેવાસીઓ અને સ્થાનિક મીડિયાએ પણ એરપોર્ટ કબજે કર્યાની પુષ્ટિ કરી છે. હાલમાં અરાકાન જૂથ દ્વારા આ એરપોર્ટ પર કબજો કરવામાં આવ્યા બાદ તમામ પ્રકારની ગતિવિધિઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 2021માં, આંગ સાન સૂ કીની ચૂંટાયેલી સરકારને ઉથલાવીને સેના ત્યાં શાસન કરવા આવી. દેશના ઘણા ભાગોમાં બળવાખોર જૂથો લશ્કરી શાસન સામે સશસ્ત્ર બળવો કરી રહ્યા છે. આ બળવાઓમાં લોકશાહીની પુનઃસ્થાપનના સમર્થકો અને ગેરિલા જૂથો બંનેનો સમાવેશ થાય છે.