વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીરને નવી જવાબદારી મળી છે. ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડીયાના નવા કોચ બનાવાયાં છે. BCCI સચિવ જય શાહે તેમના નામનું એલાન કર્યું હતું.
IPL 2024 પહેલા જ ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સ નો મેન્ટર બન્યાં હતા. આ પછી તેમણે પોતાની મેન્ટરશિપ હેઠળ KKR ટીમને ચેમ્પિયન પણ બનાવી હતી. મુખ્ય કોચ પદ માટે અરજી કરનાર ગંભીર એકમાત્ર ઉમેદવાર હતા. કોચ પદ માટેના ઈન્ટરવ્યુ પહેલા તેઓ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા હતા.
દ્રવિડનો કાર્યકાળ પૂરો થવાના સમાચારની સાથે જ ગૌતમ ગંભીરના મુખ્ય કોચ બનવાના સમાચારો પણ વહેતા થયા હતા. હવે જય શાહે આને મંજૂરી આપી છે. હાલમાં ભારતીય ટીમ શુભમન ગીલની કેપ્ટનશીપમાં ઝિમ્બાબ્વે પ્રવાસ પર છે. આ પછી તે શ્રીલંકા પ્રવાસ પર જશે. જ્યાં ગંભીર ચાર્જ સંભાળશે.
હેડ કોચ બનવા બદલ ગૌતમ ગંભીરે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ટ્વિટ કરીને કહ્યુ્ં કે ભારત મારી ઓળખ છે અને મારા દેશની સેવા કરવી મારા જીવનનો સૌથી મોટો અધિકાર છે. મારુ ફરી સન્માન કરાયું, એટલે કે એક નવો હોદ્દો આપીને. પરંતુ મારુ ધ્યેય એ જ છે, જેમ કે પહેલાં હતું, દરેક ભારતીયનું માથું ગર્વથી ઉંચુ કરવું. ટીમ ઈન્ડીયાનું લક્ષ્ય 1.4 બિલિયન ભારતીયોનું સપનું સાકાર કરવાનું છે અને આ સપનું સાચુ પાડવા હું મારાથી બધુ કરી છૂટીશ.