વિવાદોમાં ઘેરાયેલી મહારાષ્ટ્રની ટ્રેઈની IAS પૂજા ખેડકરે હવે પુણે જિલ્લા મેજિસ્ટ્રેટ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી કાર્યવાહીની માગ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફરિયાદ પૂજા ખેડકરના ઘરે પહોંચેલી પોલીસને લઈને કરવામાં આવી છે. ખેડકરે પુણે ડીએમ પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે.
સોમવારે મોડી સાંજે પોલીસની ટીમ પૂજાના વાશિમમાં ઘરે પહોંચી હતી અને તેમની પૂછપરછ કરી હતી. વાશીમની મહિલા પોલીસની ટીમ પૂજાના ઘરે ગઈ હતી. પોલીસની ટીમ પૂજાના પિતા દિલીપ ખેડકર અને માતા મનોરમા ખેડકરની શોધમાં સતત દરોડા પાડી રહી છે. જમીનના કબજાને લઈને થયેલા વિવાદ અને ફાયરિંગની ઘટના બાદ પોલીસે બંને વિરુદ્ધ FIR નોંધી છે. 3 મહિલા પોલીસકર્મીઓની ટીમ પૂજા ખેડકરના ઘરે ગઈ હતી. તેમાંથી એક એસીપી પણ હતા, જે ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા. વાશિમ પોલીસ સોમવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે પૂજા ખેડકરના ઘરે પહોંચી અને 1 વાગ્યે બહાર આવી હતી. જ્યારે પોલીસને કારણ પૂછવામાં આવ્યું તો કહેવામાં આવ્યું કે તેઓ સત્તાવાર હેતુ માટે આવ્યા હતા.
પૂજાએ દિવ્યાંગ સર્ટિફિકેટ માટે 2 અરજી કરી, 1 નામંજૂર થઈ
ટ્રેઈની IAS ઓફિસર પૂજા ખેડકરે બેવાર વિકલાંગતા સર્ટિફિકેટ માટે અરજી કરી હતી. પુણેની ઔંધ હોસ્પિટલે તેની અરજી નામંજૂર કરી દીધી હતી. ઔંધ હોસ્પિટલે પૂજાની અરજીના જવાબમાં કહ્યું- તમે 23 ઓગસ્ટ 2022ના રોજ દિવ્યાંગ સર્ટિફિકેટ માટે અરજી કરી હતી. તમારી તરફથી જણાવવામાં આવેલી બીમારી લોકોમોટર દિવ્યાંગતાની મેડિકલ ટીમે 11 ઓક્ટોબર 2022ના રોજ તપાસી હતી. ટીમે રિપોર્ટના આધારે તમારા દાવાને યોગ્ય માન્યો નથી. તમારા પક્ષમાં દિવ્યાંગતા સર્ટિફિકેટ જાહેર કરવું શક્ય નથી. લોકોમોટર દિવ્યાંગતા- હાડકાંમાં કે માંસપેશીઓને પ્રભાવિત કરે છે, જેના કારણે હાથ-પગની મૂવમેન્ટમાં પરેશાની થઈ શકે છે. એ પછી તેમણે પિંપરી-ચિંચવડની ગવર્નમેન્ટ હોસ્પિટલમાં દિવ્યાંગતા સર્ટિફિકેટ માટે અરજી કરી હતી, જેનો સ્વીકાર કરી લેવામાં આવ્યો હતો.