પાકિસ્તાનમાં અલ કાયદાના નેતા અને ઓસામા બિન લાદેનના નજીકના અમીન-ઉલ-હકની ધરપકડ કરવામાં આવી છે. પંજાબના કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (CTD) એ શુક્રવારે આ જાણકારી આપી.
રોઇટર્સના અહેવાલ મુજબ, સીટીડીને ગુજરાત (પાકિસ્તાન)ના સરાય આલમગીર શહેરમાં અલ કાયદાના વરિષ્ઠ કમાન્ડર અમીન-ઉલ-હકની હાજરીની માહિતી મળી હતી, ત્યાર બાદ તેઓએ ઓપરેશન હાથ ધરીને તેની ધરપકડ કરી હતી.અમીન ઉલ હક અફઘાનિસ્તાનનો રહેવાસી છે, પરંતુ તેની પાસેથી પાકિસ્તાનનું આઈડી કાર્ડ મળી આવ્યું છે. આ આઈડી કાર્ડ લાહોર અને હરિપુરના સરનામે બનાવવામાં આવ્યું છે.
પાકિસ્તાની ચેનલ જિયો ન્યૂઝ અનુસાર પંજાબમાં અમીન-ઉલ-હક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તેમના પર આતંકવાદ સંબંધિત ષડયંત્રનો આરોપ લગાવવામાં આવ્યો છે. જો કે આતંકવાદ વિભાગે આ મામલે વધુ માહિતી આપી નથી. સીટીડીના પ્રવક્તાએ ચેનલ સાથે વાત કરતા કહ્યું કે, આતંકવાદ સામેની લડાઈમાં તેમને મોટી સફળતા મળી છે. હાલમાં, અમીન ઉલ-હકને પૂછપરછ માટે અજ્ઞાત સ્થળે મોકલવામાં આવ્યો છે.
પ્રવક્તાએ કહ્યું કે, અમીન ઓસામા બિન લાદેનનો નજીકનો સહયોગી હતો. તેનું નામ સંયુક્ત રાષ્ટ્રની આંતરરાષ્ટ્રીય આતંકવાદી યાદીમાં પણ સામેલ છે. અમેરિકાએ 2001માં વૈશ્વિક આતંકવાદીઓની યાદી જાહેર કરી હતી જેમાં અમીનનું નામ સામેલ હતું. લાદેન અને અલ કાયદા સાથે તેના ઘણા વર્ષોના જોડાણને કારણે તેની ધરપકડ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો કે પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે હજુ સુધી આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.