રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી હાઈ એલર્ટ પર ૧૩, એલર્ટ પર ૧૧ અને વોર્નિંગ પર ૧૬ ડેમ છે.. રાજ્યમાં ભારે વરસાદને પરિણામે ૪૫ વ્યક્તિઓનું રેસ્કયુ કરાયું છે જ્યારે ૩૯૮ વ્યક્તિઓનો સલામત સ્થળે ખસેડાયા છે. વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ છે તેમ જણાવી રાહત કમિશનર આલોક પાંડેએ વરસાદની વિગતો આપી હતી.
આલોક પાંડેએ જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, મુખ્ય સચિવ રાજકુમાર અને વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વરસાદની પરિસ્થિતિનું SEOC ખાતેથી સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.
રાજ્ય તેમજ જિલ્લા કક્ષાએ ૨૪ x ૭ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કાર્યરત છે. રાજ્ય કક્ષાએથી જિલ્લા કલેક્ટરોને વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને આવશ્યક પગલાંઓ લેવા સૂચનાઓ આપવામાં આવી છે. રાજ્યમાં જિલ્લાઓની આવશ્યકતા મુજબ એન.ડી.આર.એફ.ની કુલ ૧૦ ટીમો, એસ.ડી. આર.એફ.ની કુલ ૨૦ ટીમો ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત ૫ એન.ડી. આર.એફ.ની ટીમો રીઝર્વ રાખવામાં આવી છે.
આલોક પાંડેએ વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં ભારે વરસાદને લીધે કુલ ૪૫ વ્યક્તિઓનો રેસ્ક્યુ તથા ૩૯૮ વ્યક્તિઓનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં થયેલ ભારે વરસાદના પરિણામે રાજ્યના ૫૭ ગામો અસરગ્રસ્ત છે. રાજ્યના ૦૯ સ્ટેટ હાઇવે, પંચાયતના ૧૭૪ રસ્તાઓ તથા અન્ય ૨૬ રસ્તાઓ મળી કુલ ૨૦૯ રસ્તાઓ અસરગ્રસ્ત થયા છે.