લોકસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનની હાર બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેનું વલણ બદલાયું હોય તેવું લાગી રહ્યું છે. તેમણે થોડા મહિનામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં એકલા હાથે લડવાનું નક્કી કર્યું છે. નોંધનિય છે કે, અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને NDAને બિનશરતી સમર્થન આપ્યા બાદ હવે તેમણે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં એકલા હાથે લડવાનો નિર્ણય કર્યો છે.
રાજ ઠાકરેએ ગુરુવારે મુંબઈમાં પાર્ટીની બેઠકમાં આ નિર્ણય લીધો હતો. તેમણે બેઠકમાં સ્પષ્ટ કર્યું કે, તેમની પાર્ટી રાજ્યની 288 વિધાનસભા બેઠકોમાંથી 225થી 250 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. આ સાથે રાજ ઠાકરેએ સંભવિત ઉમેદવારોની ઓળખ માટે પાંચ નેતાઓની ટીમ પણ બનાવી છે. એટલું જ નહીં રાજ ઠાકરે રાજ્યના પાર્ટી કાર્યકર્તાઓ પાસેથી ફીડબેક લેવા માટે 1 ઓગસ્ટથી મહારાષ્ટ્રનો પ્રવાસ પણ શરૂ કરવાના છે.
MNS નેતા સંદીપ દેશપાંડેએ સ્પષ્ટ કર્યું કે, તેઓ મહાયુતિ ગઠબંધનના પ્રસ્તાવની રાહ જોઈ શકતા નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, ભાજપ, શિવસેના (શિંદે જૂથ) અને એનસીપી (અજિત પવાર જૂથ) વચ્ચે બેઠકોની વહેંચણી પર હજુ સુધી કોઈ સહમતિ સધાઈ નથી.






