અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કમલા હેરિસની એન્ટ્રી બાદ સમીકરણ ઝડપથી બદલાઈ રહ્યા છે. કમલાને ભારતીયોમાં જોરદાર સમર્થન મળી રહ્યું છે. એપિયાવોટના તાજેતરના સરવેમાં કમલા હેરિસને 54% ભારતીયોનું સમર્થન છે, જ્યારે ટ્રમ્પને 35% સમર્થન મળી રહ્યું છે.
કમલાની ચૂંટણી અભિયાનની પ્રમુખ જીન ક્યૂ મેલીએ જણાવ્યું, ડેમોક્રેટ્સે ભારતીય મતદારો માટે સ્પેશલ આઉટરીચ પ્રોગ્રામ શરૂ કર્યો છે. 50 રાજ્યોમાં 100થી વધુ આઉટરીચ કેમ્પ ઊભા કર્યા છે. આ કેમ્પમાં ભારતીય મતદારોની સમસ્યાઓ સંભળાય છે. કેમ્પના માધ્યમથી મતદારોને ‘હેરિસ ફોર પ્રેસિડન્ટ’ અભિયાન સાથે જોડવામાં આવી રહ્યા છે. અમેરિકામાં ભારતીય મૂળના 20 લાખથી વધુ રજિસ્ટર મતદાર છે.
કમલા કેમ્પેનના રણનીતિકાર પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની રણનીતિ પાર્ટીની કોર વોટ બેંક હિસ્પેનિક (સ્પેનિશ મૂળ), અશ્વેત, એશિયન ભારતીયોને પક્ષમાં રાખવાની છે. સાથોસાથ ટ્રમ્પની કોર વોટ બેંક શ્વેત મતદારોમાં તરાપ મારવાની છે. 2020ની ચૂંટણીમાં કુલ શ્વેત મતદારોમાંથી 40%એ જ ટ્રમ્પને વોટ આપ્યા હતા. ટ્રમ્પની વિરુદ્ધ 15 મુખ્ય યુનિવર્સિટીમાં આગામી 3 મહિના માટે સેમિનાર આયોજિત કરાયા છે.
મિલવાકી કન્વેન્શનમાં ટ્રમ્પના રનિંગ મેટ જેડી વેંસે પોતાની પત્ની ભારતવંશી ઉષા ચિલુકુરીને દક્ષિણ એશિયન કહીને સંબોધિત કર્યાં હતાં. ડેમોક્રેટ તેને મુદ્દો બનાવી રહ્યા છે કે વેંસે ઉષાની ભારતીય ઓળખને સાર્વજનિક રીતે જણાવી નહીં, આવું વેંસે દક્ષિણ એશિયાના અન્ય મતદારોને સાધવા માટે કર્યું. જ્યારે ડેમોક્રટ્સનું કહેવું છે કે, કમલા હેરિસ પોતે ભારતીય મૂળના છે તેવું જણાવતા રહ્યાં છે.
કમલા મજબૂત ઉમેદવાર, મેં નવી પેઢી માટે સ્થાન બનાવ્યું: બાઇડન
રાષ્ટ્રપતિ જો બાઇડને રાષ્ટ્રને નામ સંબોધનમાં કહ્યું કે, કમલા હેરિસ મજબૂત ઉમેદવાર છે. તેમણે કહ્યું, અમેરિકાની એકજૂથતા અને નવી પેઢીને આગળ વધારવા માટે ચૂંટણીથી હટવાનું પગલું ભર્યું છે. બાઇડને ભાવુક થઈને કહ્યું, અમેરિકાની 50 વર્ષ સુધી સેવા કરવાનો મને ગર્વ છે.