નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યાની રાષ્ટ્રપતિ શહાબુદ્દીનના પ્રેસ સેક્રેટરીએ મંગળવારે મોડી રાત્રે આ માહિતી આપી હતી. સંસદ ભંગ થયા બાદ પ્રમુખ શહાબુદ્દીન અને વિદ્યાર્થી નેતાઓ વચ્ચેની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમાં ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ પણ હાજર હતા.
મંગળવારે બાંગ્લાદેશમાં અવામી લીગના નેતાઓ અને તેમના પરિવારના સભ્યોના ઓછામાં ઓછા 29 મૃતદેહ મળી આવ્યા હતા. જેમાં અવામી લીગના 20 નેતાઓ પણ સામેલ છે. સોમવારે બદમાશોએ અશોકતલામાં અવામી લીગ સાથે જોડાયેલા પૂર્વ કાઉન્સિલર મોહમ્મદ શાહ આલમના ત્રણ માળના મકાનને આગ ચાંપી દીધી હતી, જેમાં 6 લોકોના મોત થયા હતા. મંગળવારે તેમના મૃતદેહ મળી આવ્યો હતો. નેટોર-2ના સાંસદ શફીકુલ ઈસ્લામ શિમુલના ઘર પર ટોળાએ હુમલો કરીને આગ ચાંપી દીધી હતી. જેમાં 4 લોકોના મોત થયા હતા.
લાલમોનીરહાટમાં અવામી લીગના નેતા સુમન ખાનના ઘરને લોકોએ આગ લગાવી દીધી હતી. તેના ઘરમાંથી છ મૃતદેહો મળી આવ્યા હતા. અવામી લીગના સાથી જુબા લીગના નેતા મુશફિકુર રહીમનો મૃતદેહ સોનાગાઝીમાં પુલ નીચેથી મળી આવ્યો હતો. તેમણે જુબા લીગમાં સેક્રેટરીનું પદ સંભાળ્યું હતું. અન્ય જુબા લીગ નેતા બાદશાહ મિયાંનો મૃતદેહ સવારે ફેની જિલ્લામાંથી મળી આવ્યો હતો.
ટોળાએ અભિનેતા અને તેના પિતાની હત્યા કરી
શાંતો ખાન અને તેના પિતા સલીમ ખાનને બાંગ્લાદેશમાં ટોળાએ માર માર્યો હતો. સલીમ ખાન અવામી લીગ પાર્ટી સાથે સંકળાયેલા હતા અને મુજીબુર રહેમાન પર બનેલી ફિલ્મના નિર્માતા હતા. ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, તે તેના ઘરેથી ભાગી રહ્યા હતા. ફરક્કાબાદના બજારમાં ભીડે તેમને ઘેરી લીધા. તે સમયે તેઓએ ફાયરિંગ કરીને પોતાની જાતને બચાવી લીધી હતી પરંતુ બાદમાં તેઓને ઘેરી લેવામાં આવ્યા હતા.
સરકાર બાદ હવે બાંગ્લાદેશી સેનામાં પણ મોટો ફેરફાર
બાંગ્લાદેશ આર્મીમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે. ભારત તરફી મેજર જનરલ ઝૈનુલ અહસાનને બરતરફ કરવામાં આવ્યા છે. જ્યારે અમેરિકા તરફી જનરલ સૈફુલ આલમને વિદેશ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. 4 અન્ય ટોચના જનરલોની પણ બદલી કરવામાં આવી છે.