બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ શપથ લેતાની સાથે જ ભ્રષ્ટાચારના આરોપોથી મુક્ત થઇ ગયા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા તરીકે શપથ લીધાના ત્રણ દિવસ બાદ, ભ્રષ્ટાચાર વિરોધી આયોગ દ્વારા દાખલ કરાયેલા ભ્રષ્ટાચારના કેસમાં મોહમ્મદ યુનુસને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
ઢાકાની સ્પેશિયલ જ્યુડિશિયલ કોર્ટ-4ના ન્યાયાધીશ મોહમ્મદ રબીઉલ આલમે ભ્રષ્ટાચાર વિરોધી કમિશનની અરજી સ્વીકારી હતી, જે કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, જેમાં ફોજદારી કાર્યવાહી કોડની કલમ 494 હેઠળ કેસની કાર્યવાહી પાછી ખેંચવાની માંગ કરવામાં આવી હતી. ડેઈલી સ્ટાર અખબારે ભ્રષ્ટાચાર એજન્સીને ટાંકીને આ વાત કરી છે.
7 ઓગસ્ટના રોજ ઢાકાની અદાલતે યુનુસ અને ગ્રામીણ ટેલિકોમના ત્રણ ટોચના અધિકારીઓ અશરફુલ હસન, એમ શાહજહાં અને નૂરજહાં બેગમને શ્રમ કાયદાના ઉલ્લંઘનના કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. 84 વર્ષીય અર્થશાસ્ત્રી યુનુસે ગુરુવારે વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર તરીકે શપથ લીધા અને શપથ લેતા જ તેમને મોટી રાહત મળી.