ઉત્તર પ્રદેશના કાનપુરમાં સાબરમતી એક્સપ્રેસ (19168) પાટા પરથી ખડી પડી છે. તેના 25 ડબ્બા ડિરેલ થયા છે. ટ્રેન વારાણસીથી અમદાવાદ તરફ આવી રહી હતી. આ દુર્ઘટનામાં કોઈની જાનહાનિ થઈ નથી. થોડાં યાત્રીઓ ઘાયલ થયા છે. રેસ્ક્યૂ ઓપરેશન શરૂ છે.
કાનપુર શહેરથી 11 કિમી દૂર ભીમસેન અને ગોવિંદપુરી સ્ટેશન વચ્ચે સવારે 2.45 વાગ્યે આ અકસ્માત થયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ટ્રેક પર મૂકેલી કોઈ ભારે વસ્તુ સાથે અથડાવાને કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. ડ્રાઇવરે જણાવ્યું કે પથ્થર સાથે અથડાવાને કારણે આ અકસ્માત થયો હતો. ઝાંસી ડીઆરએમ દીપક સિંહે કહ્યું- અકસ્માત સમયે મુસાફરોએ ટક્કરનો અવાજ સાંભળ્યો હતો. આ અંગે તપાસ કરવામાં આવશે.
અકસ્માત બાદ 50 મીટર સુધીના પાટા ઉખડી ગયા છે. લોખંડની ક્લિપ છૂટી પડી અને નીચે પડી ગઈ. કાનપુર સ્ટેશન પરથી ટ્રેન પસાર થઈ, તેથી ઝડપ ઘણી ધીમી હતી. કાનપુરથી બુંદેલખંડ અને મધ્યપ્રદેશ જતી ટ્રેનો રદ કરવામાં આવી છે.
દુર્ઘટના કોઈ ભારે વસ્તુના એન્જિન સાથે અથડાવાના લીધે બની
ઉત્તર મધ્ય રેલવેના જીએમ ઉમેશ ચંદ્ર જોશી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તેમણે કહ્યું- જે રીતે અકસ્માત થયો. આનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે એન્જિનને ભારે કંઈક અથડાયું છે. આખરે કઈ વસ્તુ અથડાઈ છે? આ અંગે તપાસ કરવામાં આવશે. સ્થળ પર કોઈ ભારે વસ્તુ મળી ન હતી.