અજમેરમાં 32 વર્ષ પહેલાં થયેલા દેશના સૌથી મોટા સેક્સ કાંડના 6 ગુનેગારોને જિલ્લા અદાલતે આજીવન કેદની સજા સંભળાવી છે. આ સાથે તેમના પર 5-5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. કોર્ટે નફીસ ચિશ્તી, નસીમ ઉર્ફે ટાર્ઝન, સલીમ ચિશ્તી, ઈકબાલ ભાટી, સોહિલ ગની, સૈયદ ઝમીર હુસૈનને આજીવન કેદની સજા ફટકારી છે.
સજા સંભળાવતી વખતે છ આરોપીઓ કોર્ટમાં હાજર હતા. આરોપીઓમાંથી એક ઈકબાલ ભાટીને એમ્બ્યુલન્સમાં દિલ્હીથી અજમેર લાવવામાં આવ્યો હતો. બાકીના આરોપીઓ પહેલાંથી જ કોર્ટમાં હતા. આ છ આરોપીઓ સામે 23 જૂન 2001ના રોજ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ વર્ષે જુલાઈમાં સુનાવણી પૂર્ણ થઈ હતી.
વર્ષ 1992માં 100થી વધુ કોલેજિયન યુવતીઓ પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને તેમના નગ્ન ફોટા ફેલાવવામાં આવ્યા હતા, ત્યારે ખળભળાટ મચી ગયો હતો. આ કેસમાં 18 આરોપી હતા. 4ને સજા કરવામાં આવી છે. હાઈકોર્ટે 4ને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસ દરમિયાન જ એક વ્યક્તિએ 30 વર્ષ પહેલાં આત્મહત્યા કરી લીધી હતી. બે આરોપીઓ સામે છેડતીનો કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાંથી એકને સજા થઈ છે અને બીજા સામે કેસ ચાલી રહ્યો છે. એક આરોપી ફરાર છે અને 6 પર ચુકાદો થોડા સમયમાં આવશે.
આ 4ને આજીવન કેદની સજા આપવામાં આવી હતી, જેને સુપ્રીમ કોર્ટે 10 વર્ષની કેદમાં બદલી હતી: ઇશરત અલી, અનવર ચિસ્તી, મોઇઝુલ્લાહ પુટ્ટન અલ્હાબાદી, શમસુદ્દીન ઉર્ફે મેરાડોના. તેઓને 2003માં સજા સંભળાવવામાં આવી હતી, તે તમામને મુક્ત કરવામાં આવ્યા છે.
હાઈકોર્ટે આ ચારને નિર્દોષ જાહેર કર્યાઃ પરવેઝ અંસારી, મહેશ લુધાણી, હરીશ તોલાની, કૈલાસ સોની. તેમને 1998માં નીચલી અદાલતે આજીવન કેદની સજા ફટકારી હતી. હાઈકોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા.