બુધવાર, 21 ઓગસ્ટના રોજ રાજસ્થાનના જેસલમેરના રામદેવરા વિસ્તારમાં એરફોર્સના ફાઇટર એરક્રાફ્ટમાંથી બોમ્બ જેવી વસ્તુ પડવાને કારણે જોરદાર વિસ્ફોટ થયો હતો. પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં 8 ફૂટ ઊંડો ખાડો સર્જાયો હતો. આ ઘટના વસતીથી દૂર નિર્જન વિસ્તારમાં બની હતી. આના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટના બાદ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ હતી.
રાઠોડા ગામના ઘીવ સિંહે જણાવ્યું કે, આ ઘટના બુધવારે બપોરે 12 વાગ્યાની આસપાસ બની હતી. ગામની ઉપર ખૂબ જ ઓછી ઉંચાઈએ એક વિમાન ઉડી રહ્યું હતું. આ દરમિયાન ગામની વસતીથી લગભગ એક કિલોમીટર દૂર જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટનો અવાજ સાંભળીને ગામના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
પોખરણના એએસપી ગોપાલ સિંહ ભાટીએ કહ્યું, ‘ઘટનાની માહિતી મળતાં જ રામદેવરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ અંગે આર્મી, બીએસએફ અને અન્ય સુરક્ષા એજન્સીઓના અધિકારીઓને જાણ કરી છે. આ ઘટના પોખરણ સ્થિત આર્મી રેન્જથી 15 કિલોમીટરના અંતરે બની હતી. પોખરણ ફીલ્ડ ફાયરિંગ રેન્જ આ વિસ્તારની નજીકમાં છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ભારતીય વાયુસેનાએ ટ્વિટર પર લખ્યું, ‘ પોખરણ ફાયરિંગ રેન્જ પાસે તકનીકી ખામીને કારણે, એક એર સ્ટોર અજાણતામાં ભારતીય વાયુસેનાના ફાઇટર એરક્રાફ્ટમાંથી બહાર નીકળી ગયો. આ ઘટનાની તપાસ માટે ભારતીય વાયુસેના દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.