સતત વરસી રહેલાં અનરાધાર વરસાદે ગુજરાતને તરબોળ કરી દીધું છે. એટલું જ નહીં, અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જી દીધો છે. વરસાદે માત્ર ચાર જ દિવસમાં 28 લોકોનો ભોગ લીધો છે.
ગુજરાતમાં ભારે વરસાદને પગલે ડેમો, તળાવો ઉપરાંત નદીઓ પણ ઓવરફ્લો થઈ છે. રાજ્ય સરકારના આદેશને પગલે આ સ્થળો પર ન જવા સૂચના આપવામાં આવી છે. નદીકાંઠાના વિસ્તારોમાં સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. આ પરિસ્થિતિમાં છેલ્લાં 4 દિવસમાં પાણીમાં ડુબી જવાથી 13 લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે મકાન અને દિવાલ પડવાથી 13 લોકોના મોત નીપજ્યા છે. આ ઉપરાંત વૃક્ષ પડવાથી બે લોકોના મોત નીપજ્યા છે.
રાજ્યના હળવદ, બોરસદ, તારાપુર, લીમખેડા, ધ્રાગંધ્રા, આહવા, હાલોલ, ધોળકા, મણિનગરમાં પાણીમાં ડૂબી જવાની ઘટના બની છે. મહુધા, લુણાવાડા, સાણંદ, ખંભાતમાં મકાન અને દિવાલ પડતાં મૃત્યુ થયા હોવાની ઘટના બનવા પામી છે. ભાણવડ અને પેટલાદમાં વૃક્ષ પડવાથી બેના મોત નીપજ્યા છે.