ગુજરાતમાં છેલ્લા 8 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે રોડ રસ્તા જળમગ્ન બનતા વાહન વ્યવહાર ઠપ થયો છે તો ક્યાંક જનજીવનને ભારે અસર થઈ છે. આ ઉપરાંત ભારે વરસાદને પગલે ખેતરોમાં પાકને મોટાપાયે નુકસાન થયું છે તો બીજી તરફ જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ મળી મુશ્કેલી બની છે જેમ કે, દૂધ અને શાકભાજી પણ અનેક જિલ્લાઓમાં મેળવવા મુશ્કેલ બન્યા છે ત્યારે અમદાવાદની વાત કરવામાં આવે તો શહેરમાં બે દિવસ ધોધમાર વરસાદ વરસતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા પરિસ્થિતિ વિકટ બની છે તો બીજી તરફ ભારે વરસાદને કારણે શહેરમાં શાકભાજીના ભાવ ઊંચકાયા છે.
માર્કેટમાં માલની આવકમાં ઘટાડો થયો છે. બજારમાં નજીકના ગ્રામ્ય વિસ્તાર જેમ કે, દહેગામ, ખેડા, નડિયાદ, દસકોઈ જેવા વિસ્તારમાંથી શાકભાજીની આવક થતી હોય છે પરંતુ, ખેડા અને આસપાસના તમામ જિલ્લાઓમાં વરસાદે તારાજી સર્જી હોવાના કારણે રોડ-રસ્તાઓ બેટમાં ફેરવાયા છે અને વાહન વ્યવહાર પણ ખોવાયો છે પરિણામે, શાકભાજીની ગાડીઓ અમદાવાદ માર્કેટ સુધી ન પહોંચી શકતા વસ્તુઓના ભાવ અને માલની આવકમાં આ પ્રકારની અસામનતા જોવા મળી રહી છે.
છેલ્લા 10 દિવસની અંદર દરેક શાકભાજીના ભાવમાં 10 રૂપિયાથી લઈને 20 રૂપિયા સુધીનો વધારો થયો છે જ્યારે ડુંગળીનો માલ સૌથી વધુ મહારાષ્ટ્રના નાસિકમાંથી આવતો હોય છે પરંતુ, હાલમાં ત્યાં પણ ખૂબ જ વધુ વરસાદ હોવાને કારણે ડુંગળીની આવક ઘટી છે. જેથી, એક અઠવાડિયામાં ડુંગળીના ભાવમાં હોલસેલ માર્કેટમાં 12થી 15 રૂપિયાનો વધારો થયો છે જ્યારે રીટેઈલમાં 20 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે. અમદાવાદમાં આસપાસના ગામડાઓમાંથી તેમજ નજીકના જિલ્લાઓમાંથી શાકભાજી બજારમાં આવે છે પરંતુ, માલની આવક ઓછી થતાં હોલસેલ બજારમાં દરેક શાકભાજીના ભાવમાં 20 રૂપિયા સુધીનો વધારો થયો છે.