ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના રતનપુરી વિસ્તારના એક ગામના યુવકના ખાતામાં 257 કરોડ રૂપિયાની એન્ટ્રી મળી આવી છે. પરંતુ આ યુવકને ખાતામાં પૈસા મોકલનાર વ્યક્તિની જાણ નથી. જો કે ડેરી સંચાલકના પુત્રના એકાઉન્ટમાં આટલી મોટી રકમ જોઇને બેંક અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. મુઝફ્ફરનગર પોલીસ આ અચંબા મુકનારી ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસે હાલ યુવકની પૂછપરછ શરૂ કરી છે.
આ અંગે મુઝફ્ફરનગર ગ્રામીણના એસપી આદિત્ય બંસલે જણાવ્યું કે રતનપુરીના રહેવાસી અશ્વિની કુમાર પાસેથી નોકરી અપાવવાના નામે ખોટી રીતે દસ્તાવેજો લેવામાં આવ્યા હતા. આ દસ્તાવેજોના આધારે નકલી એકાઉન્ટ અને નકલી કંપની ખોલવામાં આવી હતી. જેના કારણે GSTના E-વે બિલિંગમાં છેતરપિંડી કરવામાં આવી છે.
આ મામલે જીએસટી વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે. વિભાગ સાથે સંકલન કરીને તપાસ કરવામાં આવશે અને તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે આ મામલે હજુ સુધી અશ્વિની કુમારનું નિવેદન આવ્યું નથી ન તો પરિવારના સભ્યો દ્વારા હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતીમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બિલિંગ કોઈ નેતાનું છે. જો કે સમગ્ર મામલો તપાસ બાદ જ બહાર આવશે. અહીં આ બાબત ગામમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે દરેકના મુખ પર એક જ સવાલ છે કે ડેરી સંચાલકના પુત્રના ખાતામાં આટલા નાણાં કેવી રીતે આવ્યા.