ભારતની મુલાકાતે આવેલા અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ દરમિયાન બંને નેતાઓએ ન્યુક્લિયર એનર્જી, ઓઈલ અને ફૂડ પાર્કને લગતા કરારો પર હસ્તાક્ષર કર્યા હતા.આ પ્રથમ વખત છે જ્યારે ભારતે UAEના શાસક ગૃહની નવી પેઢી સાથે સત્તાવાર રીતે સંબંધો સ્થાપિત કર્યા છે. ક્રાઉન પ્રિન્સ મુંબઈની મુલાકાત લેશે. જ્યાં તેઓ બંને દેશોના બિઝનેસ લીડર્સની બેઠકમાં ભાગ લેશે.
ગુજરાત સરકાર અને અબુ ધાબીની કંપની વચ્ચે કરાર કરવામાં આવ્યો છે. આ અંતર્ગત ભારતમાં ઘણા ફૂડ પાર્ક બનાવવામાં આવશે. તે જ સમયે, બરકાહમાં યુએઈના પરમાણુ પાવર પ્લાન્ટના સંચાલન અને જાળવણીને લઈને ભારત સાથે કરાર પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.ભારતે બંને દેશો વચ્ચે ઉર્જા ક્ષેત્રે સહયોગ વધારવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ અંતર્ગત અબુ ધાબી લાંબા સમય સુધી ભારતને LPG સપ્લાય કરશે.
વિદેશ મંત્રાલયે પ્રેસ રિલીઝ બહાર પાડી છે. જે અનુસાર અબુ ધાબીની કંપની અમદાવાદના બાવળા નજીક આવેલા ગુંદાનપરા ગામને આ પ્રોજેક્ટ માટે આશાસ્પદ સ્થળ તરીકે જોવે છે અને ત્યાં ફૂડ પાર્ક વિકસાવવામાં રૂચિ ધરાવે છે. આ ફૂડ પાર્ક બનાવવાનું કામ 2025ના બીજા ક્વાર્ટરમાં શરૂ થશે.