રેસલર અને કોંગ્રેસ નેતા બજરંગ પુનિયાએ જંતર-મંતર પર વિરોધ પ્રદર્શનને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું કે ભાજપના નેતાઓએ જ તેમને ત્યાં વિરોધ કરવાની મંજૂરી આપી હતી. તેમણે કહ્યું કે ભાજપના નેતાઓ જ તેમની પાર્ટી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા હતા.
તાજેતરમાં પુનિયા અને રેસલર વિનેશ ફોગાટ કોંગ્રેસમાં જોડાયા છે. વિનેશ ફોગાટ જુલાના સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કોંગ્રેસનું કાવતરું હોવાની વાત પુનિયાએ નકારી કાઢી હતી. તેમણે કહ્યું કે મારા દાવાઓને સાબિત કરવા માટે સત્તાવાર રેકોર્ડ્સ છે. કુસ્તીબાજોના વિરોધ પાછળ કોંગ્રેસનો હાથ હોવાના આક્ષેપોથી વિપરીત તે ભાજપના નેતાઓ હતા જેઓ તેમના જ પક્ષ વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા હતા. તેમના બે નેતાઓએ અમને તે જગ્યાએ વિરોધ કરવાની મંજૂરી આપી હતી.
ભારતીય રેસલિંગ ફેડરેશનના ભૂતપૂર્વ વડા બ્રિજભૂષણ શરણ સિંહ વિશે તેમણે કહ્યું, હવે જંતર-મંતર પર કુસ્તીબાજો સાથે જે કંઈ થયું તે અમારા માટે મહત્વનું નથી.આ રાજ્ય અને દેશનો એક મોટો ચૂંટણી મુદ્દો છે. કારણ કે આપણા દરેક ઘરમાં બહેનો અને દીકરીઓ છે. ભાજપને બ્રિજભૂષણ શરણને બચાવવાથી તકલીફ પડી રહી છે. પરંતુ જનતા સત્ય જાણે છે. દરેકની નજર ઉંચી કરવા અને અન્યાયનો અવાજ શેરીઓથી લઈને વિધાનસભા સુધી લઈ જવા માટે વિનેશને જીતાડવી પડશે.
પૂનિયાએ કહ્યું કે બંનેએ પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે માત્ર એક જ વ્યક્તિ ચૂંટણી લડશે. તેમણે કહ્યું, ‘અમારા બેમાંથી વિનેશની પસંદગી હતી કારણ કે અમે છોકરીઓ પરના અત્યાચારના મુદ્દે આગળ વધી રહ્યા હતા. જે ચૂપચાપ બધુ સહન કરવા મજબૂર છે. કોંગ્રેસે પુનિયાને અખિલ ભારતીય કિસાન કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા છે. તેમનું કહેવું છે કે તેઓ પાર્ટી દ્વારા આપવામાં આવેલી જવાબદારીને પૂર્ણપણે નિભાવશે.