છેલ્લા અઢી વર્ષથી ચાલી રહેલા રશિયા સામેના યુદ્ધમાં યુક્રેને ગઈકાલે રાત્રે મોસ્કો પર સૌથી ગંભીર હુમલો કર્યો છે. યુક્રેને 140 થી વધુ ડ્રોન ઉડાડીને રશિયાની રાજધાની મોસ્કો સહિત અનેક વિસ્તારોને નિશાન બનાવ્યા છે. રશિયન અધિકારીઓએ મંગળવારે યુક્રેનિયન હુમલાની પુષ્ટિ કરી હતી. મોસ્કોના ગવર્નર આન્દ્રે વોરોબ્યોવે જણાવ્યું હતું કે, ડ્રોને મોસ્કો નજીક રામેન્સકોયે શહેરમાં બે બહુમાળી રહેણાંક ઇમારતોને નિશાન બનાવતા આગ લાગી હતી. આ હુમલામાં એક મહિલાનું મોત થયું છે અને ત્રણ લોકો ઘાયલ થયા છે.
રશિયાના મોસ્કો વિસ્તારની ક્ષતિગ્રસ્ત ઇમારતોની નજીકની પાંચ રહેણાંક ઇમારતો ખાલી કરાવવામાં આવી હતી. આ હુમલાને કારણે સત્તાવાળાઓએ મોસ્કો નજીકના ત્રણ એરપોર્ટ – વનુકોવો, ડોમોડેડોવો અને ઝુકોવસ્કીને અસ્થાયી રૂપે બંધ કરી દીધા. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ 30થી વધુ ફ્લાઈટ રદ કરવામાં આવી છે તો 48 ફ્લાઇટ્સ અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. હુમલા બાદ એરપોર્ટની બહાર પાર્ક કરેલી બસમાં પણ આગ લાગી હતી.
મેયર સેરગેઈ સોબ્યાનિને જણાવ્યું હતું કે, મોસ્કોમાં ડ્રોન હુમલાનો કાટમાળ શહેરના બહારી વિસ્તારમાં એક ખાનગી મકાન પર પડ્યો તો ત્યાં કોઈ જાનહાનિ થઈ નહોતી. મોસ્કો તરફ જતા ડઝનેક ડ્રોન જોયા જે શહેરની નજીક આવતા જ સેનાએ તોડી પાડ્યા હતા. રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેમણે નવ રશિયન પ્રદેશોમાં યુક્રેન દ્વારા છોડવામાં આવેલા કુલ 144 ડ્રોનને તોડી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ યુક્રેને મોસ્કો સિવાય કુર્સ્ક, બેલગોરોદ, ક્રાલનોડાર, વોરોનિશ, બર્યાંસ્ક, કિરોવ, કલુગા, તુલા અને ઓર્યાલ સહિત 10 શહેરો પર ડ્રોનથી હુમલો કર્યો છે. રશિયાનું કહેવું છે કે આવા હુમલાઓ આતંકવાદી હુમલા સમાન છે કારણ કે તેઓ નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવે છે. બીજી તરફ યુક્રેનનું કહેવું છે કે તેને રશિયાને ઊંડો ઘાવ પહોંચાડવા તેના અંદરના વિસ્તારોમાં હુમલો કરવાનો અધિકાર છે. કારણકે રશિયાએ 2022માં તેમના એવા ઠેકાણાઓ પર હુમલો કરીને ભારે નુકસાન કર્યું છે.
રશિયાની ચેનલોએ બહુમાળી રહેણાંક ઇમારતોમાંથી બહાર નીકળતી જ્વાળાઓના વીડિયો પોસ્ટ કર્યા છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે બહુમાળી ઈમારતના 5 ફ્લેટ ધ્વસ્ત થઈ ગયા છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે યુક્રેનની સરહદ નજીક બ્રાંસ્ક ક્ષેત્રમાં 72 યુક્રેનિયન ડ્રોનને અટકાવવામાં આવ્યા હતા. કુર્સ્ક પર 14 અને તુલા પર 13 ડ્રોનનો નાશ કરવામાં આવ્યો હતો. આ સિવાય અન્ય 5 વિસ્તારોમાં 25 ડ્રોન રોકવામાં આવ્યા છે.