વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 સપ્ટેમ્બરથી ત્રણ દિવસ અમેરિકાના પ્રવાસે છે, જ્યાં ડેલાવરમાં ક્વાડ મિટિંગમાં હાજરી આપશે. પ્રવાસના બીજા દિવસે મોદી ન્યૂ યોર્કમાં ઇન્ડિયન કોમ્યુનિટીને મળશે. 22મીએ ન્યૂ યોર્કમાં યોજાનારા ઇન્ડિયન કોમ્યુનિટીના પ્રોગ્રામની હાલમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
નોંધનીય છે કે આ વખતે ઇવેન્ટની થીમ ‘મોદી એન્ડ US: પ્રોગ્રેસ ટુગેધર’ છે, જેનો ઉદ્દેશ ભારત-અમેરિકા સાથે મળીને વિશ્વને એક પરિવાર ગણીને તમામનાં કલ્યાણ અંગે વિચારીને દુનિયાને વધુ સારી બનાવવાનો છે. ક્વાડને ક્વોડ્રિલેટરલ સિક્યોરિટી ડાયલોગ નામથી ઓળખવામાં આવે છે. હિંદ-પેસેફિક વિસ્તારમાં ચીનની વધી રહેલી સૈન્ય પ્રવૃત્તિઓ અંગે ચિંતા વ્યક્ત કરતા અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ સાથે મળી ક્વાડ (4 દેશનું સંગઠન) બનાવ્યું હતું. 21 સપ્ટેમ્બરે ભારતના વડાપ્રધાન મોદી, અમેરિકાના પ્રેસિડન્ટ બાઇડન, જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા તથા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની સામેલ થશે. આ સમિટમાં આ ચારેય દેશો વચ્ચે મુક્ત ને ખુલ્લા મનથી ઇન્ડો-પેસેફિક વિસ્તારના સહિયારા વિઝનને આગળ વધારવા અંગે ચર્ચા થશે.






