વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના અમેરિકન પ્રવાસના બીજા દિવસે રવિવારે ન્યૂયોર્કમાં ભારતીય મૂળના લોકોને સંબોધિત કર્યા હતા. ન્યૂયોર્કમાં નાસાઉ વેટરન્સ કોલેજિયમ પહોંચ્યા બાદ હજારો લોકોએ મોદી- મોદીના નારા લગાવ્યા હતા. આ પછી અમેરિકાનું રાષ્ટ્રગીત અને પછી ભારતનું રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું.
અહીં વડાપ્રધાન મોદીએ AIની નવી વ્યાખ્યા આપી. તેમણે કહ્યું, “એક AI એટલે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને એક AI એટલે અમેરિકન ઇન્ડિયન.” અમે ફૂલની પાંચ પાંખડીઓ (PUSHP) ને જોડીને વિકસિત ભારતનું નિર્માણ કરીશું. ત્યારબાદ પીએમ મોદીએ તેનો અર્થ પણ સમજાવ્યો. તથા 2036 ઓલિમ્પિક્સની યજમાની માટે શક્ય તમામ પ્રયાસો કરવા અંગે પણ જણાવ્યું હતું.
વડાપ્રધાને જણાવ્યું, 2036 ઓલિમ્પિક્સની યજમાની માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છીએ આગામી ઓલિમ્પિક્સ યુએસએમાં છે. ટૂંક સમયમાં આપણે ભારતમાં પણ ઓલિમ્પિકના સાક્ષી બનીશું. અમે 2036 ઓલિમ્પિક્સની યજમાની માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છીએ. રમતગમત હોય, વેપાર હોય કે મનોરંજન હોય, ભારત આકર્ષણનું કેન્દ્ર છે. IPL વિશ્વની ટોચની લીગમાં સામેલ છે. ફિલ્મો ધૂમ મચાવી રહી છે. વૈશ્વિક પ્રવાસન ક્ષેત્રે પણ ભારતે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. વિશ્વના વિવિધ દેશોમાં ભારતીય તહેવારો ઉજવવાની સ્પર્ધા છે. નવરાત્રી માટે ગરબા શીખી રહ્યા છે. આ ભારત પ્રત્યેનો પ્રેમ છે. તમને એક વાત જાણીને આનંદ થશે કે ગઈકાલે જ અમેરિકાએ આપણી લગભગ 300 જેટલી જૂની શિલાલેખ મૂર્તિઓ પરત કરી છે. અત્યાર સુધીમાં અમેરિકાએ આવી 500 હેરિટેજ ધરોહર ભારતને પરત કરી છે. આ કોઈ નાની વસ્તુ પરત કરવાની વાત નથી. આ આપણા હજારો વર્ષોના વારસાનું સન્માન છે. માત્ર ભારતનું જ સન્માન નથી પરંતુ તમારું પણ સન્માન છે. ભારત-અમેરિકા ભાગીદારી સતત મજબૂત થઈ રહી છે. અમારી ભાગીદારી ગ્લોબલ ગુડ માટે છે.
તેમણે કહ્યું, ગત વર્ષે જૂનમાં ભારતે સેમી-કન્ડક્ટર સેક્ટર માટે પ્રોત્સાહનોની જાહેરાત કરી હતી. તેના થોડા મહિના પછી માઈક્રોનના પ્રથમ સેમી-કન્ડક્ટર યુનિટનો શિલાન્યાસ પણ થઇ ગયો છે. ભારતમાં અત્યાર સુધીમાં આવા પાંચ એકમોને મંજૂરી આપવામાં આવી છે. તે દિવસ દૂર નથી જ્યારે તમે અહીં અમેરિકામાં પણ મેડ ઇન ઇન્ડિયા ચિપ જોશો. આ નાની ચિપ વિકસિત ભારતની ઉડાનને નવી ઊંચાઈઓ પર લઈ જશે અને આ મોદીની ગેરંટી છે.
હવે ભારત પાછળ નથી રહેતું, નવી સિસ્ટમ બનાવે છે અને આગળ વધે છે. ભારતે દુનિયાને ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર (DPI)નો નવો કોન્સેપ્ટ આપ્યો છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આજે ભારતનું 5જી માર્કેટ અમેરિકા કરતા પણ મોટું થઈ ગયું છે અને આ માત્ર બે વર્ષમાં જ થયું છે. હવે ભારત ‘મેડ ઇન ઇન્ડિયા’ 6G પર કામ કરી રહ્યું છે.






