વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે હવામાન અને આબોહવા સંશોધન માટે ત્રણ પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટર અને ઉચ્ચ-પ્રદર્શન કમ્પ્યુટિંગ સિસ્ટમનું વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું. આ અવસર પર PMએ કહ્યું કે, કોઈ દેશ ત્યારે જ મોટી સિદ્ધિઓનું લક્ષ્ય રાખી શકે છે જ્યારે તેની પાસે મોટી વિઝન હોય. ગરીબોના સશક્તિકરણ માટે ટેક્નોલોજીને અપગ્રેડ કરવી જોઈએ.PMએ કહ્યું કે, અમારી સરકાર વિજ્ઞાન, ટેક્નોલોજી અને સંશોધનને પ્રાથમિકતા આપી રહી છે. મિશન ગગનયાનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને 2035 સુધીમાં આપણું પોતાનું સ્પેસ સ્ટેશન હશે.
આ સુપર કોમ્પ્યુટર ભારતના નેશનલ સુપર-કમ્પ્યુટિંગ મિશન (NSM) હેઠળ તૈયાર કરવામાં આવ્યા છે. તેમની કિંમત 130 કરોડ રૂપિયા છે. સુપર કોમ્પ્યુટિંગ ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવાના કેન્દ્ર સરકારના પ્રયાસોના ભાગરૂપે આ સુપર કોમ્પ્યુટર્સ દેશને સમર્પિત કરવામાં આવશે. આ ત્રણ મુખ્ય સ્થળોએ સ્થાપિત કરવામાં આવ્યા છે: દિલ્હી, પુણે અને કોલકાતા. વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલયે કહ્યું છે કે, આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની વૈજ્ઞાનિક સંશોધન ક્ષમતા વધારવાનો છે.
પુણેમાં જાયન્ટ મીટર રેડિયો ટેલિસ્કોપ (GMRT) આ સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ ફાસ્ટ રેડિયો બર્સ્ટ્સ (FRBs) અને અન્ય ખગોળશાસ્ત્રીય ઘટનાઓનો અભ્યાસ કરવા માટે કરશે. દિલ્હીમાં ઇન્ટર યુનિવર્સિટી એક્સિલરેટર સેન્ટર (IUAC) સામગ્રી વિજ્ઞાન અને અણુ ભૌતિકશાસ્ત્ર જેવા ક્ષેત્રોમાં સંશોધનને પ્રોત્સાહન આપશે.
કોલકાતામાં એસએન બોસ સેન્ટર આ સુપરકોમ્પ્યુટિંગ ટેક્નોલોજીનો ઉપયોગ અદ્યતન સંશોધન માટે કરશે, જેમાં ભૌતિકશાસ્ત્ર, બ્રહ્માંડ વિજ્ઞાન અને પૃથ્વી વિજ્ઞાન જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.