રાજ્યમાં સારા વરસાદ અને જળસંચય-જળસંગ્રહના કામોથી જળસંગ્રહ ક્ષમતામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. 2018થી રાજ્યમાં સુજલામ સુફલામ જળઅભિયાન હેઠળ કરાયેલા કામોથી 6 વર્ષમાં જળસંગ્રહ ક્ષમતામાં 11914 મિલિયન ઘન ફૂટનો વધારો થયો છે. આ પાણીનો જથ્થો કચ્છમાં આવેલા જળાશયોની કુલ ક્ષમતાથી વધુ છે. કચ્છના કુલ 20 જળાશયોની સંગ્રહ ક્ષમતા 11485 મિલિયન ઘન ફૂટ છે. 6 વર્ષમાં અંદાજે 37 હજાર તળાવો ઉંડા કરવામાં આવ્યા છે. 24 હજારથી વધુ ચેકડેમમાં ડિસીલ્ટીંગના કામ થયા છે તો 6 હજારથી વધુ ચેકડેમની મરામત કરાઇ છે. અંદાજે એક લાખથી પણ વધુ વિવિધ કામોથી 200 લાખ માનવ દિન રોજગારી ઉભી થઇ છે. જળસંગ્રહમાં થયેલા વધારાના કારણે ભૂગર્ભ જળસ્તર ઊંચા આવ્યા છે. તળાવો, ચેકડેમ ઊંડા કરવા, નદી કાંપ સફાઇની ખોદાણથી નીકળતી માટી વિનામૂલ્યે ખેડૂતોને આપવામાં આવતી હોવાથી લાખો હેકટર જમીન નવસાધ્ય પણ થઇ છે.