મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા ભાજપ-NDAએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. શિવસેના, એનસીપી સાથે શેરિંગ તેમજ નેતૃત્વ અંગે પણ લગભગ નિર્ણયો લેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપના નેતૃત્વમાં એનડી ઘટક સાથીદળો સાથે ચૂંટણીમાં ઉતરશે. જો કે શિવસેના એ બાબત પર જોર લગાવી રહી છે કે મહારાષ્ટ્રમાં NDA હાલના મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્ત્વમાં ચૂંટણી લડે. જેથી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના તેમના મતોને નુકસાન ના પહોંચાડી શકે.
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ નથી, પરંતુ ભાજપે ઉમેદવારોની પસંદગીનું કામ આરંભી દીધું છે. મહારાષ્ટ્રમાં NDAમાં સીટોની વહેંચણી મુદ્દે વ્યાપક સર્વસંમતિ સધાઈ છે. 288 વિધાનસભા બેઠકોમાંથી ભાજપ લગભગ 170 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે શિવસેના (શિંદે જૂથ) લગભગ 80 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે અજિત પવારની આગેવાની હેઠળની NCPને લગભગ 40 બેઠકો મળવાની સંભાવના છે. જો કે, વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રીના ચહેરા મુદ્દે ભાજપની મુખ્ય સહયોગી શિવસેના ઈચ્છે છે કે એનડીએ વર્તમાન મુખ્યમંત્રી એકનાથ શિંદેના ચહેરા સાથે ચૂંટણી મેદાનમાં ઉતરે. તેમનો તર્ક છે કે આનાથી ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને નુકસાન થશે અને એનડીએને ફાયદો થશે. જો કે, આ મુદ્દે ભાજપનું માનવું છે કે તેઓ ગઠબંધનમાં સૌથી વધુ બેઠકો ઉપર ચૂંટણી લડી રહ્યા છે. અને મોટી પાર્ટી હોવાથી ભાવિ સરકારનું નેતૃત્ત્વ તેમની પાસે જ રહેશે.
આવી સ્થિતિમાં સામૂહિક નેતૃત્વ હેઠળ ચૂંટણી લડવી વધુ સારું રહેશે, કારણ કે વિપક્ષ કોંગ્રેસ, એનસીપી (શરદ પવાર) અને કોંગ્રેસનું ગઠબંધન પણ કોઈપણ ચહેરા વિના ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ભાજપ વિરોધી છાવણીને કોઈ તક આપવા માંગતી નથી.