ટાટા સન્સના ચેરમેન રતન નવલ ટાટાનું 86 વર્ષની વયે નિધન થયું છે. બુધવારે મોડી રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ વય-સંબંધિત બિમારીઓથી પીડાતા હતા. ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ સૌથી પહેલા તેમના મૃત્યુની માહિતી આપી હતી. તેમણે 11:24 વાગ્યે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘ઘડિયાળની ટિક ટિકિંગ બંધ થઈ ગઈ છે. ટાઇટન હવે નથી રહ્યા. રતન ટાટા ઈમાનદારી, નૈતિક નેતૃત્વ અને પરોપકારનું પ્રતીક હતા.રાત્રે લગભગ 2 વાગ્યે તેમના પાર્થિવદેહને હોસ્પિટલમાંથી તેમના ઘરે લઈ જવામાં આવ્યો હતો.
ટાટાના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. તેમના પાર્થિવદેહને ગુરુવારે સવારે 10થી 4 વાગ્યા સુધી દક્ષિણ મુંબઈમાં નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સના હોલમાં રાખવામાં આવશે. અહીં લોકો તેમના અંતિમ દર્શન કરી શકશે. પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણથી સન્માનિત રતન ટાટાને 2 દિવસ પહેલા 17 ઓક્ટોબરે ટાટાને ICUમાં દાખલ કરવાના સમાચાર આવ્યા હતા. જો કે, તેમણે પોતે આ વાતને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે તે ઠીક છે અને રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ પહોંચ્યા છે.
મહારાષ્ટ્ર સરકારે એક દિવસનો શોક જાહેર કર્યો
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી કાર્યાલય (સીએમઓ) તરફથી એવું કહેવામાં આવ્યું છે કે રતન ટાટાના નિધનથી સરકારે ગુરુવાર (10 ઓક્ટોબર)ના રોજ એક દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે. તમામ સરકારી ઈમારતોમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રહેશે અને આજે કોઈ સાંસ્કૃતિક-મનોરંજન કાર્યક્રમો થશે નહીં. રતન ટાટાના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.
દૂરંદેશી બિઝનેસ લીડર, દયાળુ આત્મા અને અસાધારણ માનવી…….
* રાષ્ટ્રપતિ મુર્મુ: ભારતે એક એવા આઈકોન ગુમાવ્યા છે, જેમણે કોર્પોરેટ ગ્રોથ, રાષ્ટ્ર નિર્માણ અને નૈતિકતા સાથે ઉત્કૃષ્ટતાનું મિશ્રણ હતું. પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણ પુરસ્કાર વિજેતા રતન ટાટાએ ટાટા જૂથના વારસાને આગળ વધાર્યો છે.
* પીએમ મોદી: ટાટા એક દૂરંદેશી બિઝનેસ લીડર, દયાળુ આત્મા અને અસાધારણ માનવી હતા. તેમણે ભારતના સૌથી જૂના અને સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ હાઉસમાંના એકને સ્થિર નેતૃત્વ પૂરું પાડ્યું. તેમનું યોગદાન બોર્ડ રૂમથી ઘણું આગળ હતું.
* ટાટાના ચેરમેન ચંદ્રશેખર: ભારે દુ:ખ સાથે અમે રતન ટાટાને વિદાય આપીએ છીએ. ગ્રુપ માટે તે ચેરપર્સન કરતાં ઘણા વધુ હતા. મારા માટે તે ગુરુ, માર્ગદર્શક અને મિત્ર હતા.
* રાહુલ ગાંધી: રતન ટાટા દૂરદર્શી માણસ હતા. તેમણે બિઝનેસ અને પરોપકાર બંને પર ક્યારેય ન ભૂંસાય તેવી છાપ છોડી છે. તેમના પરિવાર અને ટાટા ગ્રુપ પ્રત્યે મારી સંવેદના.
* મુકેશ અંબાણીઃ ભારત માટે આ ખૂબ જ દુઃખદ દિવસ છે. રતન ટાટાની વિદાય માત્ર ટાટા ગ્રુપ માટે જ નહીં પરંતુ દરેક ભારતીય માટે મોટી ખોટ છે. અંગત રીતે, રતન ટાટાના નિધનથી મને ખૂબ જ દુઃખ છે, કારણ કે મેં એક મિત્ર ગુમાવ્યા છે.
* ગૌતમ અદાણી: ભારતે એક મહાન અને દૂરંદેશી માણસ ગુમાવ્યો છે. ટાટાએ આધુનિક ભારતના માર્ગને ફરીથી વ્યાખ્યાયિત કર્યો. ટાટા માત્ર એક બિઝનેસ લીડર ન હતા, તેમણે કરુણા સાથે ભારતની ભાવનાને મૂર્તિમંત કરી હતી.
* આનંદ મહિન્દ્રા: હું રતન ટાટાની ગેરહાજરી સ્વીકારી નથી શકતો. શ્રી ટાટાને ભૂલી નહીં શકાય. કારણ કે મહાપુરુષ ક્યારેય મરતા નથી.
* સુંદર પિચાઈ: રતન ટાટા સાથેની મારી છેલ્લી મુલાકાત દરમિયાન તેમનું વિઝન સાંભળવું મારા માટે પ્રેરણાદાયક હતું. તે એક્સ્ટ્રાઓર્ડિનરી બિઝનેસ લીગસી છોડી ગયા છે. તેમણે ભારતમાં આધુનિક બિઝનેસ લીડરશીપના માર્ગદર્શન અને વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.