CID ક્રાઈમે નારોલથી લાંભા જતા ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપની બાજુમાં આવેલા મેદાનમાં ખાદ્ય તેલ ભરેલા ટેન્કરોમાંથી ઓઈલની ચોરીનું કૌભાડ ઝડપી પાડ્યું છે. ત્રણ ટેન્કરમાંથી ખાદ્ય તેલનો જથ્થો પતરાના ડબ્બામાં ભરી રહેલા પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી છે. સાથે જ ફરાર બે આરોપીઓ સામે ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે. પોલીસે ત્રણ ટેન્કર સહિત કુલ 2.23 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ શરૂકરી છે.
ગાંધીનગર સીઆઈડી ક્રાઈમના સીઆઈસેલે નારોલના લાંભા રોડ પાસેથી ટેન્કરોમાંથી ખાળ્યા તેલની ચોરી થતી હોવાની વિગતો મળી આવી હતી. જેના આધારે વોચ ગોઠવી હતી. લાંભા ગામ જવાના રસ્તા પાસે ખુલ્લા પ્લોટમાં ત્રણ ટેન્કરમાંથી ખાદ્ય તેલનો જથ્થો ચોરી કરવામાં આવી રહ્યો હતો. સીઆઈડી ક્રાઈમે દરોડા પાડીને કુલ સાત આરોપી સામે ગુનો નોંધીને તેલની ચોરી કરી રહેલા પાંચ આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં હકીકત સામે આવી કે ખાદ્ય તેલના ટેન્કરોના ડ્રાઈવરને નજીવા રૂપિયાની લાલચ આપીને તેમની સાથે સાંઠગાંઠ કરી લેતા હતા. જ્યારે પણ ટેન્કરમાં તેલ ભરીને બહાર નીકળે તેની પહેલાં અગાઉથી ટેન્કરના વાલ્વને અડધા ખુલ્લા રાખવામાં આવતા હતા. ત્યાર બાદ ટ્રક ડ્રાઈવરોનો સંપર્ક કરીને નારોલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા લાંભા ગામ પાસેના ખુલ્લા મેદાનમાં ટેન્કર ઉભું રખાવીને ટેન્કરમાં રહેલા ખાદ્ય ઓઈલ ચોરી કરવામાં આવતું હતું.
નક્કી થયા મુજબ ટેન્કરમાંથી ઓઈલ કાઢી લેવામાં આવે ત્યાર બાદ ટેન્કરનો વાલ્વને બંધ કરીને ડ્રાઈવર રવાના થઇ જતા હતા. આ સમગ્ર હકીકત ઝડપાયેલા આરોપીએ પોલીસ સમક્ષ કબુલાત કરી છે. સીઆઈડી ક્રાઈમે પ્લોટમાં તપાસ હાથ ધરી તો એક રૂમમાંથી કુલ 22 તેલના ડબ્બા મળી આવ્યા જેમાંથી 15 ડબ્બામાં ખાદ્ય સોયાબીન તેલ, 4 ડબ્બામાંથી અન્ય કંપનીનું ખાદ્ય તેલ મળી આવ્યું હતું. ત્યારે હાલ સીઆઈડી ક્રાઈમે સાત આરોપી સામે ગુનો નોંધીને રાહુલ ભરવાડ (ઉ.27, રહે. ભરવાડ વાસ, નારોલ), ઠાકર કેશારામ ભાટિયા (ઉ.23, રહે. બાડમેર, રાજસ્થાન), જેથારામ ભવરામરામ ક્ડેલા (ઉ.19, રહે. બાડમેર, રાજસ્થાન) શંકરલાલ ખીલેરી (રહે. બાડમેર, રાજસ્થાન) સુરેશ યાદવ (રહે. ભંડોહી) ધરપકડ કરીને અન્ય ફરાર બે આરોપીની તપાસ હાથ ધરી છે.