દેશભરમાં સિનિયર સિટીઝન સાથે ડિજિટલ અરેસ્ટના નામે ઠગાઈ ચાલી રહી છે ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમે ડિજિટલ એરેસ્ટના નામે ચાલતી ઠગાઈના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે. સાયબર ક્રાઇમે અગાઉ 13 ભારતીય આરોપીની ધરપકડ કરી હતી, ત્યારે હવે આ ઠગાઇના મુખ્ય સૂત્રધાર એવા ચાર તાઇવાનના નાગરિકની ધરપકડ કરી છે. આ તાઈવાન આરોપીઓએ પોતે ડેવલોપ કરેલી એપની મદદથી ડિજિટલ અરેસ્ટનું દેશનું સૌથી મોટું ષડયંત્ર રચ્યું હતું.
આ એપ એવી રીતે ડેવલોપ કરી હતી કે, આરોપી સામેવાળાના એકાઉન્ટ નંબર અને OTP દાખલ કરે કે તુરંત જ સામેવાળાના એકાઉન્ટમાંથી ઓટોમેટિક પૈસા ટ્રાન્સફર થઈ જતા હતા. આરોપીઓએ બિઝનેસ ભારતમાં ચલાવવા 4 વર્ષ રિસર્ચ કર્યું હતું. જે બાદ ડિજિટલ એરેસ્ટ, શેર માર્કેટમાં રોકાણ, ગેમિંગ ઝોનના નામે આરોપીઓએ કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે.અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા માસ્ટરમાઈન્ડ આરોપીની તમામ ગતિવિધિઓ પર વોચ રાખવામાં આવી રહી હતી. જ્યારે આરોપી દિલ્હીની તાજ હોટેલમાં પહોંચ્યો અને ત્યાં બેસીને લેપટોપ શરૂ કરવા પાસવર્ડ નાંખ્યો ત્યાં જ સાયબરની ટીમ ત્રાટકી હતી. ટીમે લેપટોપ કબજે કરીને આરોપીને દબોચી લીધો.
સાયબર ક્રાઇમ દ્વારા પકડેલા આરોપીઓની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ અલગ-અલગ શહેરોમાં જઈને એક મોટુ કોલ સેન્ટર ચલાવતા હતા. તાઈવાન જે આરોપીઓ છે તેઓએ એક એપ ડેવલોપ કરી છે. આ એપ મારફતે બધા અલગ-અલગ એકાઉન્ટથી પૈસા પેમેન્ટ ગેટવેથી કનેક્ટ કરતા અને ટેક્નિકલ સર્વિસીઝ પણ પૂરી પાડતા હતા. આ એપમાં એવી સુવિધા છે કે, એક સાઈડમાં એકાઉન્ટ નંબર નાખી અને બીજી સાઈડમાં OTP નાખી સામેવાળાના એકાઉન્ટમાંથી ઓટોમેટિક પૈસા ટ્રાન્સફર થઈ શકે.
અત્યાર સુધીમાં 461 સીમકાર્ડ, 120 મોબાઈલ અને 9 રાઉટર જપ્ત કરવામાં આવ્યા છે, જેમાંથી પૈસાની ઓનલાઈન લેવડદેવડ કરવામાં આવતી હતી. NCRP પોર્ટલ પર આ લોકો વિરૂદ્ધ 450 જેટલી ફરિયાદો અલગ-અલગ શહેરમાંથી નોંધવામાં આવી છે. આ તાઈવાન આરોપીઓ અગાઉ પણ અહીં આવ્યા હતા અને તેમાના એક આરોપીએ તો હિમાચલથી ગ્રેજ્યુએશન પણ કરેલુ છે તો માસ્ટરમાઈન્ડ આરોપી માર્ક માસ્ટર ઈન કોમ્પ્યુરની લાયકાત ધરાવે છે. આરોપીઓ પોતાની એપ સાયબર ક્રિમિનલ્સ હોય, ગેરકાયદેસર ગેમિંગ એપ ચલાવતા હોય તે લોકોને વેચતા હતા.
NCRP પોર્ટલ પર આરોપીઓ વિરૂદ્ધ 450 જેટલી ફરિયાદો
ઈન્ડિયાના એક આરોપીની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, કોર્પોરેટ કંપનીની જેમ રોજના 1.5થી 2 કરોડ ને ટર્નઓવર 10 કરોડ સુધી પહોંચાડવાના ટાર્ગેટ આપતા હતા. બે આરોપીઓ દિલ્હીથી મિટિંગ કરે તે અગાઉ ધરપકડ કરી છે જ્યારે બે આરોપીઓ બેંગ્લોરથી પરત જવા રવાના થવાના થયા હતા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓના નામ મુચી સંગ ઉર્ફે માર્ક, ચાંગ હાવ યુન ઉર્ફે માર્કો, વાંગ ચુન વેઇ ઉર્ફે સુમોકા અને શેન વેઇ હાવ ઉર્ફે ક્રીશ છે. ચારેય તાઇવાના આરોપીઓ ડિજિટલ અરેસ્ટનાં માસ્ટર માઈન્ડ છે. સાયબર સ્ક્રેમ માટે જુદા-જુદા રાજ્યોમાં ગેંગ ઊભી કરી હતી. આરોપીઓ સામે અત્યાર સુધીમાં 450 ફરિયાદ છે પરંતુ તપાસ દરમિયાન ફરિયાદ 1 હજાર સુધી પહોંચી શકે છે. આ સમગ્ર મામલે આરોપીઓ તાઇવાન, કંબોડિયા, લાવીશ, મ્યાનમાર, વિયેતનામ સહિત સાઉથ એશિયન દેશમાંથી ઓપરેટ કરતા હતા.