રશિયાના કઝાન શહેરમાં બ્રિક્સની 16મી સમિટ ચાલી રહી છે. પીએમ મોદી મંગળવારે તેમાં ભાગ લેવા પહોંચ્યા હતા. મંગળવારે રાત્રે પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે મુલાકાત થઈ હતી. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, મોદીએ પુતિનને આવતા વર્ષે વાર્ષિક સમિટ માટે ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. પુતિને બ્રિક્સ દેશોના નેતાઓ માટે ડિનરનું આયોજન કર્યું હતું. ડિનર દરમિયાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પુતિન સાથે મ્યુઝિકલ કોન્સર્ટની મજા લેતા જોવા મળ્યા હતા. આ દરમિયાન પુતિન વચ્ચે બેઠા હતા અને પીએમ મોદી અને જિનપિંગ બંને બાજુ ખુરશીઓ પર સંગીતનો આનંદ લેતા જોવા મળ્યા હતા.
રશિયાના રાષ્ટ્રપતિએ બેઠકમાં કહ્યું કે, ‘તમારી સાથે અમારા એવા સંબંધો છે કે, એવું લાગતું નથી કે ટ્રાન્સલેશનની જરૂર પડશે.’ આ સાંભળીને બેઠકમાં ઉપસ્થિત તમામ લોકો ખળખળાટ હસવા લાગ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે, ‘અમે રશિયા-ભારત વચ્ચે ચાલી રહેલા સહયોગને ખૂબ જ મહત્વના માનીએ છીએ. બંને દેશો બ્રિક્સના મૂળ સભ્ય દેશો છે. રશિયા અને ભારત વચ્ચે ખાસ વ્યૂહાત્મક ભાગીદારી છે. આ સંબંધ વધતો રહેશે. અમારા વિદેશ મંત્રી સતત સંપર્કમાં છે. અમારો બિઝનેસ પણ આગળ વધી રહ્યો છે.’