અમદાવાદ એરપોર્ટ પરથી અવારનવાર ડ્રગ્સ, સોનાની દાણચોરી સહિતના કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે દિવાળીના તહેવારને હવે ગણતરીના કલાકો બાકી છે એવામાં અમદાવાદ એરપોર્ટ પરથી હાઈબ્રિડ ગાંજો ઝડપાયો છે. થાઈલેન્ડથી 7 લોકો 2.11 કરોડનો હાઈબ્રિડ ગાંજો લઇને અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. આ સમયે એરપોર્ટ અને CISFની ટીમ દ્વારા ગાંજો ઝડપી તમામ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હાલ શહેરમાં તહેવારોનો માહોલ છે અને આવનારા સમયમાં ડિસેમ્બર મહિનામાં પણ ઘણી વખત ડ્રગ્સ પકડાતું હોય છે, ત્યારે એ દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદ એરપોર્ટ પરથી આજે ફરી એક વખત વિદેશી નાગરિક ડ્રગ લઇને આવતા હોવાની વિગતો એજન્સીને મળી હતી. એના આધારે સ્થાનિક પોલીસ અને CISFની ટીમ દ્વારા વોચ ગોઠવીને સાત લોકોની ધરપકડ કરી હતી. તેમની પાસેના સામાનમાંથી હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હતો, જેની અંદાજે કિંમત 2 કરોડ 11 લાખ જેટલી થાય છે.