કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી બુધવારે સાંજે આસામના તેજપુર પહોંચ્યા હતા. અહીં તેમણે દિવાળીની ઉજવણી કરી અને મેઘના સ્ટેડિયમમાં સેનાના જવાનો સાથે ડિનર કર્યુ હતું. LOC અને અટારી બોર્ડર પર, પુરૂષ-મહિલા સૈનિકોએ મીઠાઈઓ વહેંચી, મીણબત્તીઓ પ્રગટાવી અને ફટાકડા ફોડ્યા હતા. LOC પર દિવાળી પર જવાનોએ જોરશોરથી ડાન્સ પણ કર્યો હતો. આ દરમિયાન ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહ જમ્મુ-કાશ્મીર પહોંચ્યા હતા. તેઓ જવાનોને મળ્યા અને તેમને દિવાળીની શુભેચ્છા પાઠવી અને તેમની સાથે નાસ્તો કર્યો હતો.
આ સિવાય સીડીએસ જનરલ અનિલ ચૌહાણ પોર્ટ બ્લેયર, આંદામાન અને નિકોબારમાં તહેનાત જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. નૌકાદળના વડા એડમિરલ દિનેશ ત્રિપાઠી ગુજરાતના પોરબંદરમાં નૌકાદળના જવાનો સાથે તહેવારની ઉજવણી કરી રહ્યા છે. પીએમ મોદી દર વર્ષે સેના સાથે દિવાળીની ઉજવણી કરતા હતા. આ વખતે તેઓ દિવાળી પર ગુજરાતના પ્રવાસે છે. આવી સ્થિતિમાં ત્રણેય સેના પ્રમુખ અને સીડીએસ અલગ-અલગ જગ્યાએ પહોંચ્યા અને જવાનો સાથે દિવાળી મનાવી.