સુરતમાં બુધવારે રાતના સમયે સીટી લાઈટ વિસ્તારની અંદર અમૃતયા સ્પા અને જીમ-11 માં આગ લાગવાની ઘટના બની હતી. આગને પગલે 2 મહિલાના મોત થયા હતા. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ લીધી હતી. આ ઘટનામાં બે મહિલાઓના ગૂંગળામણના કારણે મોત થયા છે તો ત્રણ લોકોનો ચમત્કારિક બચાવ થયો છે.
જીમ-11માં મીટર પેટીમાં આગ લાગતા તેનો ધુમાડો અમૃતયા સ્પામાં પહોંચ્યો હતો. ધુમાડો નીકળવાનું શરૂ થતા સ્પાની 4 મહિલા કર્મચારી અને એક વોચમેન ઘટના સમયે હાજર હતા. વોચમેન અને બે યુવતી બહારની તરફ દોડી ગયા હતા અને બે યુવતીઓ સ્પાના બાથરૂમમાં જતા રહેતા ગૂંગળામણના કારણે મોત થયું હતું. સ્પામાં કામ કરનારી બંને યુવતીઓ સિક્કિમની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. બીનું હંગામાં લીમ્બુ અને મનીષા રોય નામની યુવતીનું મોત થયું છે. મનીષા રોય એક મહિના પહેલા જ સુરત આવ્યો હોવાનું તેની બહેને જણાવ્યું છે. તેની બહેનના કહેવા પ્રમાણે તે ક્યાં કામ કરતી હતી તે અંગે તેને કોઈ માહિતી નથી પરંતુ જ્યારે ઘટનાની જાણ થઈ ત્યારે તે સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ પાસે આવી હતી અને ત્યારબાદ તેની બહેનનું મોત થયું હોવાનું તેને જાણવા મળ્યું હતું.