પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના કશ પટેલને અમેરિકાની સૌથી મોટી ગુપ્તચર સંસ્થા સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (CIA)ના વડાના પદ પર નિયુક્ત કર્યા છે. કશ પટેલને ટ્રમ્પની ખૂબ નજીક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ટ્રમ્પની સત્તામાં વાપસી કશ પટેલ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ છે.
કશ પટેલ ભારતીય-અમેરિકન વકીલ અને સરકારી અધિકારી છે, જે ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના ગણાય છે અને તેમના વહીવટમાં મહત્વપૂર્ણ હોદ્દા પર રહી ચૂક્યા છે. તેમનું પૂરું નામ કશ્યપ કાશ પટેલ છે. તેમનો જન્મ 1980માં ન્યૂયોર્કમાં થયો હતો. તેમના માતા-પિતા ગુજરાતી છે. જેઓ પૂર્વ આફ્રિકન દેશ યુગાન્ડાથી કેનેડા થઈને અમેરિકા ગયા હતા.
1970માં યુગાન્ડામાં રાજકીય અસ્થિરતાને કારણે તેના માતાપિતા યુએસમાં સ્થાયી થવાનું નક્કી કર્યું. તેમના પિતાને 1988માં અમેરિકન નાગરિકતા મળી હતી. તેના પિતા એક ઉડ્ડયન કંપનીમાં નાણાકીય અધિકારી તરીકે કામ કરતા હતા. પટેલે લોંગ આઇલેન્ડની ગાર્ડન સિટી હાઇસ્કૂલમાંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.
કશ પટેલે અભ્યાસ બાદ થોડો સમય એક લો ફર્મમાં કામ કર્યું,ત્યાર બાદ સરકારી ક્ષેત્રે કામ કરવાની તક મળી. 2013માં ન્યાય વિભાગમાં જોડાયા અને રાષ્ટ્રીય સુરક્ષા બાબતોમાં યોગદાન આપવાનું શરૂ કર્યું. ત્રણ વર્ષ બાદ તેમની ઈન્ટેલિજન્સ મુદ્દાની સ્થાયી સમિતિમાં એક કર્મચારી તરીકે નિયુક્તિ થઈ હતી. આ નિયુક્તિએ જેમની કારકિર્દીની દિશા બદલી નાંખી. આ સમયગાળામાં ટ્રમ્પના સમર્થક રિપબ્લિકન સભ્ય ડેવિન નુન્સના નેજા હેઠળ હાઉસ ઇન્ટેલિજન્સ કમિટીમાં સેવા આપતા હતા.
2016ની યુએસ પ્રમુખપદની ચૂંટણી દરમિયાન કશ પટેલે રશિયાની દખલગીરીની તપાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ કાર્યથી તેઓ ટ્રમ્પની ગુડબુકમાં આવી ગયા. અને તેમના અંગત વિશ્વાસુ બન્યા. આ સમિતિમાં રહીને તેમણે રશિયન હસ્તક્ષેપ સંબંધિત એક રિપોર્ટ તૈયાર કર્યો હતો, જેને ટ્રમ્પ વહીવટીતંત્રે ખૂબ વખાણ્યો હતો. ત્યારબાદ 2019માં ટ્રમ્પે તેમને તેમની ટીમમાં સામેલ કર્યા, જે હાલના રાષ્ટ્રપતિ જો બાઈડેનના પુત્ર હંટર બાઈડેન બાબતે માહિતી એકત્ર કરવા યુક્રેન પર દબાણ કરી રહી હતી. આ કેસે કશ પટેલને ટ્રમ્પના વિશ્વાસુઓમાંના એક બનાવ્યા.