મહારાષ્ટ્ર અને ઝારખંડમાં સોમવારે સાંજે 6 વાગ્યા સુધીમાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડી ગયા છે. મહારાષ્ટ્રની તમામ 288 અને ઝારખંડની 38 બેઠકો પર 20 નવેમ્બરે મતદાન થશે. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે રાજકીય પક્ષોના નેતાઓએ એડીચોટીનું જોર લગાવી દીધુ હતું અને પોત-પોતાના પક્ષની જીતની અપેક્ષા રાખી હતી. રાંચીથી મુંબઈ સુધી રેલીઓ અને જાહેર સભાઓ ચાલુ રહી હતી.
મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે એક જ તબક્કામાં 288 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. તેમજ ઝારખંડમાં બીજા તબક્કાની 38 બેઠકો પર પણ 20 નવેમ્બરે મતદાન થશે, જ્યારે પરિણામો 23 નવેમ્બરે એકસાથે જાહેર કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધન સામે સરકાર બચાવવાનો પડકાર છે. આ ગઠબંધનમાં ભાજપ, શિંદે જૂથની શિવસેના અને અજિત પવારની એનસીપી સામેલ છે.
મહાયુતિની અને વિપક્ષી મહાવિકાસ આઘાડી ગઠબંધન વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. કોંગ્રેસની સાથે અઘાડીમાં શરદ પવારની એનસીપી અને ઉદ્ધવ ઠાકરેના જૂથની શિવસેનાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પણ ઘણા નાના અને ગઠબંધન સાથી પક્ષો પણ મેદાનમાં છે, જેઓ 20 નવેમ્બરે લિટમસ ટેસ્ટમાંથી પસાર થશે.
મહારાષ્ટ્રમાં મહાયુતિના સીટ શેરિંગ ફોર્મ્યુલાની વાત કરીએ તો ભાજપ પાસે સૌથી વધુ સીટો છે. રાજ્યની 288 બેઠકોમાંથી ભાજપ એકલી 148 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. જ્યારે મુખ્યમંત્રી એકનાથ શિંદેની પાર્ટી શિવસેના 80 બેઠકો પર અને અજિત પવારની પાર્ટી એનસીપી 52 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. બાકીની બેઠકો મહાગઠબંધનમાં સામેલ સાથી પક્ષોને આપવામાં આવી છે. આ વખતે મહારાષ્ટ્ર ચૂંટણીમાં કુલ 4 હજાર 136 ઉમેદવારો ચૂંટણી મેદાને છે.
મહારાષ્ટ્ર ઉપરાંત ઝારખંડમાં પણ રાજકીય લડાઈ પણ ઘણી રસપ્રદ બની છે. પ્રચારના અંતિમ દિવસે ભાજપના અનેક મોટા નેતાઓએ જાહેરસભા યોજી હતી. રાજ્યમાં બીજા તબક્કાનું મતદાન 20 નવેમ્બરે 38 બેઠકો પર થશે. આમાંથી મોટાભાગની બેઠકો આદિવાસી વિસ્તારની છે. ચૂંટણીના બીજા તબક્કામાં સોરેન પરિવાર, પૂર્વ સીએમ બાબુલાલ મરાંડી અને બે પૂર્વ ડેપ્યુટી સીએમ સહિત ઘણા મોટા નેતાઓનું ભાવિ દાવ પર છે. બીજા તબક્કામાં કુલ 528 ઉમેદવારો ચૂંટણી મેદાને છે.