મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાને 10 દિવસ વીતી ગયા છે, પરંતુ મુખ્યમંત્રીનું નામ નક્કી નથી થયું. સોમવારે ભાજપે નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મહારાષ્ટ્રના નિરીક્ષક બનાવ્યા હતા.નિરીક્ષક બનાવાયા બાદ રૂપાણીએ મોડી સાંજે કહ્યું હતું કે, ‘મહારાષ્ટ્ર ભાજપ ધારાસભ્ય દળની બેઠક મંગળવાર કે બુધવારે મળશે. સર્વાનુમતે નેતાની પસંદગી કરવાના પ્રયાસો કરવામાં આવશે. મને લાગે છે કે અમને મહારાષ્ટ્રમાં બીજેપી તરફથી સીએમ મળશે.
આ પહેલા સુત્રોના જણાવ્યા અનુસાર માહિતી મળી હતી કે આજે મુંબઈમાં મહાયુતિની બેઠક પણ મળી શકે છે. જેમાં મંત્રીઓના નામ પર ચર્ચા શક્ય છે. અજિત પવાર સોમવારે દિલ્હી પહોંચ્યા હતા. તેમણે પુત્ર પાર્થ પવાર અને પ્રફુલ પટેલ સાથે બેઠક યોજી હતી. તેઓ રાત્રે 11 વાગ્યે પટેલના ઘરેથી નીકળ્યા હતા. અજીત આજે દિલ્હીમાં ગૃહમંત્રી શાહને પણ મળી શકે છે. તેઓ શાહને મંત્રી પદ માટે તેમના પક્ષના નામોની યાદી સુપરત કરી શકે છે. દેવેન્દ્ર ફડણવીસ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ બેઠકમાં જોડાઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ વિધાનસભ્ય દળની બેઠક 4 ડિસેમ્બરે સવારે 10 વાગે વિધાનસભા ભવનના સેન્ટ્રલ હોલમાં યોજાશે. જેમાં સીએમનું નામ નક્કી કરવામાં આવશે. સીએમનો શપથ ગ્રહણ સમારોહ 5 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યે મુંબઈના આઝાદ મેદાનમાં યોજાશે. ભાજપ તરફથી દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનશે તે નિશ્ચિત માનવામાં આવે છે. મહાયુતિ એટલે કે ભાજપ, શિવસેના શિંદે અને એનસીપીમાં એક સીએમ અને બે ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિને 230 બેઠકો મળી છે. બહુમતી માટે જરૂરી 145 ધારાસભ્યો કરતાં 85 બેઠકો વધુ. ભાજપને 132, શિવસેના શિંદેને 57 અને NCPના અજિત પવારને 41 બેઠકો મળી છે.