આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ બાલ્યાનને જામીન મળતાં જ બુધવારે દિલ્હી પોલીસે ફરી ધરપકડ કરી. મકોકા કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છે. ઉત્તમ નગર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય બાલ્યાનને રાઉઝ એવન્યુ કોર્ટથી ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ લઈ જવામાં આવી રહ્યા છે. બુધવારે જ તેમને વસૂલીના કેસમાં જામીન મળી ગયા હતા. હકીકતમાં, 30 નવેમ્બરના રોજ ક્રાઈમ બ્રાન્ચે 2023 ખંડણી કેસમાં નરેશ બાલ્યાનની ધરપકડ કરી હતી.
તે જ દિવસે ભાજપે બાલ્યાનની એક ઓડિયો ક્લિપ જાહેર કરી હતી. ભાજપનું કહેવું છે કે નરેશ એક ગેંગસ્ટર સાથે સંબંધ ધરાવે છે અને ખંડણી ગેંગ ચલાવે છે. તેઓ હવાલા દ્વારા પૈસાની લેવડદેવડ કરે છે. બાલ્યાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અમિતની પોસ્ટને રીટ્વીટ કરી. તેમણે કહ્યું કે હાઇકોર્ટે આ ઓડિયોને ખોટો ગણાવતાં તમામ ચેનલો પરથી ફેક ન્યૂઝ હટાવડાવ્યા હતા. આ ઘણા વર્ષો જૂનો મામલો છે. જ્યારે કેજરીવાલે કાયદો અને વ્યવસ્થાના મુદ્દે ભાજપને ઘેરી લીધું ત્યારે તેઓ ઘણા વર્ષો જૂના ફેક ન્યૂઝ લાવ્યા છે.
બીજેપી-આઈટી સેલના વડા અમિત માલવિયાએ બાલિયાનનો કથિત ઓડિયો શેર કરતા લખ્યું કે, ‘નરેશ બાલ્યાનનો ગેંગસ્ટરો સાથેનો ઓડિયો કોલ વાઇરલ થયો છે, જેમાં તે દિલ્હીના બિલ્ડરો અને બિઝનેસમેન પાસેથી ખંડણી માગી રહ્યા છે. કેજરીવાલ દિલ્હીમાં વસૂલીનું નેટવર્ક ચલાવી રહ્યા છે અને પછી કાયદો અને વ્યવસ્થાની ખરાબ સ્થિતિ માટે ભાજપને જવાબદાર ઠેરવી રહ્યા છે. AAPએ દિલ્હીને ભ્રષ્ટાચારના કળણમાં ફેરવી દીધું છે. AAP ધારાસભ્ય નરેશ બાલ્યાનના નજીકના સહયોગીનો ગેંગસ્ટરો સાથેનો ઓડિયો કોલ પણ હવે સાર્વજનિક થઈ ગયો છે.