અમેરિકાના પ્રેસીડેન્ટ ઈલેકટ- ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા-મેકસીકો સામે આકરા ટેરીફ લાદવાની આપેલી ચેતવણી બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો છેક ફલોરીડા પહોંચી ટ્રમ્પને મળી આવ્યા તે સમયે ટ્રમ્પે એક રસપ્રદ વિધાનમાં જો ટેરિફ સામે કોઈ પ્રશ્ન હોય તો કેનેડાને અમેરિકામાં ભેળવી દેવાની સલાહ આપી હતી.
ટ્રમ્પની આ સલાહ કમ ઓફર ડિપ્લોમેટીક વર્તુળોમાં જબરી ચર્ચાનો વિષય બની છે. શ્રી ટ્રમ્પે જણાવ્યું કે, જો કેનેડાને 25% ટેરીફથી તેની અર્થવ્યવસ્થા સામે ખતરો લાગતો હોય તો કેનેડાને અમેરિકાનું 51મું રાજય બનાવી દેવું જોઈએ. સોશ્યલ મીડીયામાં જો કે આ વાત ફકત ‘મજાક’ નથી તેવું પણ મંતવ્ય વ્યક્ત થયુ છે.
જસ્ટીન ટ્રુડોએ ફલોરીડામાં ડોનાલ્ડ ટ્રમ્પના નિવાસે પહોંચશે તેની સાથે ડીનર લીધુ હતું. ટ્રમ્પે એ પણ ચેતવણી આપી કે, કેનેડા 70થી વધુ દેશોના ઘુસણખોરોને સીમા પાર કરીને અમેરિકામાં ઘુસવા ખુલ્લી છુટ આપે છે. મોટી સંખ્યામાં ડ્રગ્સ પણ કેનેડાના માર્ગે અમેરિકામાં ઘુસાડે છે. બાદમાં ટ્રમ્પે અમેરિકા અને કેનેડા વચ્ચે વ્યાપાર ખાધની પણ વાત કરતા કહ્યું કે અમેરિકા 100 બીલીયન ડોલરનો વ્યાપાર ખાધ ભોગવે છે.
કેનેડા વ્યાપાર અને સીમા મુદે યોગ્ય કરી રહ્યુ નથી અને તેઓ પદ સંભાળતા જ તમામ કેનેડાથી આયાત થતા તમામ ઉત્પાદનો પર 25% ટેરિફ લગાવી દેશે. જો અમેરિકા આમ કરે તો કેનેડાનું અર્થતંત્ર પુરી રીતે ખત્મ થઈ જવાનો ભય છે. ટ્રમ્પે જવાબમાં કહ્યું કે, તેનો મતલબ એ છે કે તમારો દેશ અમેરિકાને 100 બીલીયન ડોલરનો ચૂનો ન લગાડે તો તે જીવીત રહી શકે નહી. બાદમાં ટ્રમ્પે કેનેડાને અમેરિકાના 51માં રાજય તરીકે ભળી જવા સલાહ આપતા ટ્રુડોને એ પણ કહ્યું કે તમો તે રાજયના ગવર્નર પણ બની શકો છો. જો કે વડાપ્રધાન પદ વધુ સારૂ છે છતાં પણ તમે ગવર્નર બની શકો છો.