રશિયાનું એક માલવાહક જહાજ મંગળવારે રાત્રે ભૂમધ્ય સમુદ્રમાં ડૂબી ગયું હતું. રિપોર્ટ અનુસાર, રશિયાના વિદેશ મંત્રાલયે મંગળવારે એક નિવેદનમાં કહ્યું કે ‘ઉર્સા મેજર’ નામના કાર્ગો જહાજના એન્જિન રૂમમાં સોમવારે વિસ્ફોટ થયો હતો, ત્યારબાદ જહાજ ભૂમધ્ય સમુદ્રમાં ડૂબી ગયું હતું. ક્રૂ સભ્યોમાંથી 14ને બચાવીને સ્પેન લાવવામાં આવ્યા છે. પરંતુ હજુ બે સભ્યો ગુમ છે.
આ જહાજને 2009માં દરિયામાં છોડવામાં આવ્યું હતું, જેની કામગીરીની જવાબદારી OboronLogistics કંપનીની હતી. કંપની રશિયન સંરક્ષણ મંત્રાલય માટે લશ્કરી બાંધકામ કામગીરીની દેખરેખ રાખે છે. આ માલવાહક જહાજ રશિયાના પૂર્વીય બંદર વ્લાદિવોસ્તોક જઈ રહ્યું હતું. જહાજ પર બે વિશાળ પોર્ટ ક્રેન્સ લોડ કરવામાં આવી હતી. રશિયાના વિદેશ મંત્રાલયના ક્રાઈસિસ સેન્ટરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એન્જિન રૂમમાં વિસ્ફોટનું કારણ શું હતું તે હજુ સુધી જાણી શકાયું નથી.
23 ડિસેમ્બરના રોજ પસાર થઈ રહેલા અન્ય જહાજ દ્વારા જહાજના વીડિયો ફૂટેજ શૂટ કરવામાં આવ્યા હતા. સ્પેનની મેરીટાઇમ રેસ્ક્યુ સર્વિસે જણાવ્યું હતું કે તેમને 24 ડિસેમ્બરે કાર્ગો જહાજ ‘ઉર્સા મેજર’ તરફથી એક તકલીફનો સંકેત મળ્યો હતો જ્યારે તે અલ્મિરાના દરિયાકિનારે લગભગ 57 માઇલ દૂર હતું. સ્પેનિશ મેરીટાઇમ રેસ્ક્યુ સર્વિસે જણાવ્યું હતું કે તેણે નજીકના જહાજનો સંપર્ક કર્યો હતો. સ્પેનિશ મેરીટાઇમ રેસ્ક્યુ સર્વિસે ઘટનાસ્થળે બે જહાજો અને એક હેલિકોપ્ટર રવાના કર્યા અને ઉર્સા મેજરના 14 ક્રૂ સભ્યોને બચાવ્યા અને તેમને કાર્ટેજેના બંદર પર પહોંચાડ્યા. ક્રૂ સભ્યોએ જણાવ્યું હતું કે જહાજ ખાલી કન્ટેનર તેમજ બે પોર્ટ ક્રેન્સથી ભરેલું હતું. બાદમાં એક રશિયન યુદ્ધ જહાજ ઘટનાસ્થળે પહોંચી ગયું અને બચાવ કામગીરીની કમાન સંભાળી. LSEG ના શિપ ટ્રેકિંગ ડેટા દર્શાવે છે કે જહાજ 11 ડિસેમ્બરે સેન્ટ પીટર્સબર્ગના રશિયન બંદરેથી રવાના થયું હતું અને છેલ્લે 23 ડિસેમ્બરે અલ્જેરિયા અને સ્પેન વચ્ચે સિગ્નલ મોકલતું જોવા મળ્યું હતું, જ્યાં તે ડૂબી ગયું હતું.