ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના કોઈ પુરાવા મળ્યા નથી. વિદેશી દખલગીરી પર કેનેડા સરકાર દ્વારા રચવામાં આવેલા મેરી જોસી હોગ કમિશન દ્વારા આ વાત કહેવામાં આવી છે. હોગ કમિશનના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતે હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે ખોટી માહિતી ફેલાવી હતી. જોકે, એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્સીઓનું કનેક્શન સાબિત કરવા માટે કોઈ નક્કર કડી નથી.
આ રિપોર્ટમાં ભારત, રશિયા, ચીન અને પાકિસ્તાનને કેનેડાના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરવા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતે ચૂપચાપ ત્રણ રાજકીય પક્ષોના ઉમેદવારોને ચૂંટણીમાં પૈસાથી મદદ કરી છે. આ માટે પ્રોક્સી એજન્ટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જોકે, ભારતીય વિદેશ મંત્રાલયે ભારતની દખલગીરી સાથે જોડાયેલી વાતચીતને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું-
સપ્ટેમ્બર 2023માં કેનેડિયન ઈન્ટેલિજન્સ એજન્સીએ એક રિપોર્ટમાં દાવો કર્યો હતો કે 2019 અને 2021માં કેનેડામાં યોજાયેલી બે ચૂંટણીમાં ચીને હસ્તક્ષેપ કર્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચીને જસ્ટિન ટ્રુડોને ચૂંટણી જીતવામાં મદદ કરી હતી. જો કે ચીને આ વાતનો ઈન્કાર કર્યો હતો પરંતુ કેનેડાના રાજકારણમાં ભારે હોબાળો મચી ગયો હતો.
આ પછી, વિપક્ષી નેતાઓના દબાણ હેઠળ, પીએમ ટ્રુડોએ આ મામલાની તપાસ માટે સપ્ટેમ્બર 2023માં હોગ કમિશનની રચના કરી. આ કમિશનનું નેતૃત્વ જસ્ટિસ મેરી-જોસી હોગ દ્વારા કરવામાં આવ્યું હતું. કેનેડાની ચૂંટણીઓમાં વિદેશી શક્તિઓની દખલગીરી અંગે પરિસ્થિતિ સ્પષ્ટ થઈ શકે તે માટે તેની રચના કરવામાં આવી હતી. પંચે મંગળવારે (28 જાન્યુઆરી) પોતાનો રિપોર્ટ સોંપ્યો છે.