અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન સંસદ (કોંગ્રેસ) ના સંયુક્ત સત્રને સંબોધિત કરવાનું શરૂ કર્યું છે. તેમણે પોતાનું પહેલું ભાષણ ‘America Is Back’ કહીને શરૂ કર્યું, એટલે કે અમેરિકાનો સુવર્ણ યુગ પાછો આવ્યો છે. ટ્રમ્પે કહ્યું કે તેમણે 43 દિવસમાં જે કર્યું છે તે 4 વર્ષમાં બાઇડન સરકાર કરી શકી નથી ટ્રમ્પે પોતાના ભાષણમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનને અમેરિકન ઇતિહાસના સૌથી ખરાબ રાષ્ટ્રપતિ ગણાવ્યા. તેમણે કહ્યું કે બાઇડનના નિર્ણયને કારણે લાખો ઇમિગ્રન્ટ્સને અમેરિકામાં પ્રવેશવાની તક મળી. ટ્રમ્પનું ભાષણ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે યુએસ સરકાર રશિયા-યુક્રેન યુદ્ધ અને મધ્ય પૂર્વમાં સંઘર્ષને સમાપ્ત કરવા અને સંઘીય સરકારમાં ફેરફારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
ટ્રમ્પે જાહેરાત કરી હતી કે તેમના વહીવટ હેઠળ, જો કોઈ કંપની અમેરિકામાં તેનું ઉત્પાદન નહીં કરે, તો તેણે ટેરિફ ચૂકવવા પડશે. કેટલાક કિસ્સાઓમાં, આ ટેરિફ ખૂબ મોટો હશે. તેમણે કહ્યું કે અન્ય દેશો અમેરિકા પર ભારે કર અને ટેરિફ લાદે છે, જ્યારે અમેરિકા તેમના પર ખૂબ જ ઓછા કરવેરા લાદે છે. આ ખૂબ જ અન્યાયી છે. બીજા દેશો દાયકાઓથી આપણા પર ટેરિફ લાદી રહ્યા છે, હવે આપણો વારો છે. ટ્રમ્પે કહ્યું કે 2 એપ્રિલથી અમેરિકામાં ‘પારસ્પરિક ટેરિફ’ લાગુ કરવામાં આવશે. એનો અર્થ એ કે તેઓ આપણા પર ગમે તેટલો ટેરિફ લાદે, અમે પણ તેમના પર તેટલો જ ટેરિફ લાદીશું. તેઓ આપણા પર ગમે તેટલો કર લાદે, અમે પણ તેમના પર એટલો જ કર લાદીશું. ટ્રમ્પ હસ્યા અને કહ્યું કે હું તેને 1 એપ્રિલે લાગુ કરવા માંગતો હતો, પરંતુ ત્યારે લોકોને લાગ્યું હોત કે તે ‘એપ્રિલ ફૂલ ડે’ છે.
ટ્રમ્પે કહ્યું કે, આપણે ઇતિહાસની સૌથી મહાન અર્થવ્યવસ્થાનું નિર્માણ કરીશું, અને કોંગ્રેસ દરેક માટે ટેક્સ ઘટાડાનું બિલ પસાર કરશે. ડેમોક્રેટ્સ તરફ ઈશારો કરતા ટ્રમ્પે કહ્યું, ‘મને ખાતરી છે કે તેઓ આ કર ઘટાડા માટે મતદાન કરશે, નહીં તો જનતા તેમને ક્યારેય સત્તામાં પાછા નહીં લાવે.’ ટ્રમ્પે કહ્યું કે તેઓ વરિષ્ઠ નાગરિકો માટે ટિપ્સ, ઓવરટાઇમ અને સામાજિક સુરક્ષા લાભો પરના કરને નાબૂદ કરવા માગે છે. ટ્રમ્પે કહ્યું કે 100 વર્ષથી વધુ ઉંમરના લાખો મૃત લોકો સામાજિક સુરક્ષા ચુકવણીનો લાભ લઈ રહ્યા છે. આપણી સરકાર શોધી કાઢશે કે તે પૈસા ક્યાં જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે અમે કાર લોન પર ચૂકવવામાં આવતી વ્યાજની રકમ કર કપાતપાત્ર બનાવવા માંગીએ છીએ, પરંતુ ફક્ત તે કાર માટે જે અમેરિકામાં બનેલી હોય છે. તેમણે કહ્યું કે આજે તેમણે ટોચના ત્રણ ઓટોમેકર્સ સાથે વાત કરી છે અને તેઓ ખૂબ જ ઉત્સાહિત છે. આપણે ઓટો ઉદ્યોગમાં પહેલા ક્યારેય ન હોય તેવો વિકાસ જોઈશું.






