મહિલાએ તારી સામે દુષ્કર્મની ફરિયાદ કરી છે અને પાંચ રાજ્યોની પોલીસ તને શોધી રહી છે. મિનિસ્ટ્રી ઓફ હોમમાં ગોઠવણ કરાવવા 12 કરોડની ખંડણી માગી બે પરિચિતોએ મુંબઇ ખાતે રહેતા વડોદરાના યુવકને ગોંધી રાખ્યો હતો. આ ઉપરાંત જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. અપહરણકર્તાઓએ દોઢ કરોડની ખંડણી પડાવી લઈને વધુ રૂપિયાની માગણી ચાલુ રાખી હતી. આ મામલે ગોત્રી પોલીસે મહિલા સહિત ત્રણની ધરપકડ કરી હતી અને પીડિત યુવકને મુંબઇના ફ્લેટમાંથી મુક્ત કરાવ્યો હતો. આ મામલે ગોત્રી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરાના વાસણા ભાયલી રોડ પર રહેતા રજનીકાંતભાઈ પરમારના દીકરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આરોપી ગિરીશ ભોલેની પોલીસ ધરપકડ કરી હતી. આરોપીએ તેના અન્ય બે સાથી આરોપીઓ વિશે માહિતી આપી હતી અને કપિલ રાજપુત અને મધુમિતા નવી મુંબઈમાં હોવાનું જણાવ્યું હતું. જેથી અમે ટીમની રચના કરી હતી અને તુરંત નવી મુંબઈ પહોંચ્યા હતા. જ્યાં સ્થાનિક પોલીસને સાથે રાખીને ફ્લેટ ઉપર પહોંચ્યા હતા. જ્યાં કપિલ અને મધુમીતા મળી આવ્યા હતા. જ્યાંથી બંનેની ધરપકડ કરવામાં આવી હતી.
આ સમયે ફ્લેટમાં સર્ચ કરતા બાલ્કનીમાં વોશિંગ મશીનની પાછળ નિખિલને છુપાવી રાખ્યો હતો. જેથી અમે પીડિતનું રેસ્ક્યૂ કર્યું હતું. મધુમિતાની કારની જડતી કરતા તેમાંથી એક કરોડ એક લાખ રૂપિયા મળી આવ્યા હતા. નવી મુંબઈ ખાતેથી કપિલ અને મધુમિતાના બે દિવસના ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ લઈને તેઓને વડોદરા લાવવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજપુતની પાર્ટનર પ્રીતિ સિંહાએ હનીટ્રેપમાં નિખિલને ફસાવ્યો હતો. આ પહેલાં નિખિલ પ્રીતિ સિંહા સાથે લિવઇન રિલેશનશિપમાં રહેતો હતો. ત્યારબાદ તેઓ અલગ થઈ ગયા હતા.





