ઉત્તરાખંડના 4 જિલ્લાના 17 સ્થળોના નામ બદલવામાં આવ્યા છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ હરિદ્વાર, દહેરાદૂન, નૈનિતાલ અને ઉધમ સિંહ નગર જિલ્લામાં સ્થિત વિવિધ સ્થળોના નામ બદલવાના નિર્ણયને મંજૂરી આપી છે. મુખ્યમંત્રી ધામીએ જણાવ્યું હતું કે આ સ્થળોના નવા નામકરણ લોકોની લાગણી અને ભારતીય સંસ્કૃતિ અને વારસા અનુસાર કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસે આ નિર્ણય અંગે સરકાર પર પ્રહારો કર્યા છે.
સમાચાર એજન્સી ANIના અહેવાલ મુજબ, એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ હરિદ્વાર, દહેરાદૂન, નૈનિતાલ અને ઉધમ સિંહ નગર જિલ્લામાં સ્થિત વિવિધ સ્થળોના નામ બદલવાની જાહેરાત કરી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ, હરિદ્વાર જિલ્લાના ઔરંગઝેબપુરનું નામ શિવાજી નગર રાખવામાં આવશે. ગાઝીવાલીને આર્યનગર, ચાંદપુરને જ્યોતિબા ફૂલે નગર, મોહમ્મદપુર જાટને મોહનપુર જાટ, ખાનપુર કુર્સાલીને આંબેડકર નગર, ઇદ્રીશપુરને નંદપુર, ખાનપુરને શ્રી કૃષ્ણપુર અને અકબરપુર ફઝલપુરને વિજયનગર નામ આપવામાં આવ્યું છે.
દહેરાદૂન જિલ્લામાં દહેરાદૂન મ્યુનિસિપલ કોર્પોરેશન બ્લોકના મિયાનવાલાને રામજીવાલા, વિકાસનગર બ્લોકના પીરવાલાને કેસરી નગર, વિકાસનગરના ચાંદપુર ખુર્દને પૃથ્વીરાજ નગર અને સહસપુર બ્લોકના અબ્દુલ્લાપુરને દક્ષાનગર નામ આપવામાં આવ્યું છે. નૈનિતાલ જિલ્લામાં નવાબી રોડનું નામ અટલ માર્ગ, પંચક્કીથી આઈઆઈટી રોડનું નામ ગુરુ ગોલવારકર માર્ગ રાખવામાં આવ્યું છે. વધુમાં, ઉધમસિંહ નગર જિલ્લાની સુલતાનપુર પટ્ટી નગર પંચાયતનું નામ બદલીને કૌશલ્યા પુરી કરવામાં આવ્યું છે.
આ નિર્ણય અંગે સીએમ પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે વિવિધ સ્થળોના નામ બદલવાનું કામ લોકોની ભાવના અને ભારતીય સંસ્કૃતિ અને વારસા અનુસાર કરવામાં આવી રહ્યું છે જેથી લોકો ભારતીય સંસ્કૃતિ અને તેના સંરક્ષણમાં યોગદાન આપનારા મહાપુરુષો પાસેથી પ્રેરણા લઈ શકે. ઉત્તરાખંડ સરકારના આ નિર્ણય પર કોંગ્રેસના નેતા હરીશ રાવતે કહ્યું કે અમે ન તો તેના પક્ષમાં છીએ અને ન તો તેની વિરુદ્ધ. અમે ફક્ત એટલું જ કહેવા માંગીએ છીએ કે નામ બદલવાનો ભાજપનો એજન્ડા બની ગયો છે કારણ કે તેમની પાસે વાસ્તવિક કામ બતાવવા માટે કંઈ નથી. છેલ્લા સાડા આઠ વર્ષ સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે. હવે જનતા તેમને સવાલ કરી રહી છે. આ પ્રશ્નો પરથી ધ્યાન હટાવવા માટે, તેઓ પોતાનું નામ બદલવાનો ડોળ કરી રહ્યા છે.