ટ્રમ્પ ટેરિફે ગ્લોબલ માર્કેટમાં હાહાકાર મચાવી દીધી છે. 8 એપ્રિલ સોમવારના રોજ એશિયન શેરબજારો ભારે ઘટાડા સાથે ખુલ્યા હતા. જાપાન, હોંગકોંગ, ઓસ્ટ્રેલિયા જેવા મોટા બજારોમાં ભારે ઘટાડો નોંધાયો હતો. તેનું સૌથી મોટું કારણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલ્સી છે. ટ્રમ્પ તરફથી લગાવાયેલા ભારે ઈમ્પોર્ટ ટેક્સના જવાબમાં ચીને પણ અમેરિકા પર કડક ટેરિફ લાદ્યા હતા. આ ટ્રેડ વોરના ડરથી વિશ્વભરના રોકાણકારો ડરી ગયા છે. અને શેર વેચવા લાગ્યા છે.
ટ્રમ્પે કહ્યું, કેટલીકવાર કોઈ બાબતને ઠીક કરવા માટે દવા લેવી પડે છે. ટ્રમ્પનું કહેવું છે કે બજારનો આ ઘટાડો દવાની જેમ જ છે, જે લાંબા ગાળે ફાયદાકારક રહેશે. પરંતુ હાલમાં રોકાણકારોને માત્ર ખોટ જ દેખાઈ રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એરફોર્સ વન વિમાનમાં પત્રકારોને આ વાત કહી. ફ્લોરિડામાં ગોલ્ફ રમીને તેઓ વોશિંગ્ટન પરત ફરી રહ્યા હતા. આ વાતચીતમાં તેમણે પોતાના ટેરિફ પ્લાનમાંથી પાછી પાની કરવાના કોઈ સંકેત આપ્યા ન હતા.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે અમેરિકા અને વિશ્વભરના બજારોમાં ઘટાડા પર કહ્યું કે ‘ક્યારેક-ક્યારેક તમારે કોઈ બાબતને ઠીક કરવા માટે દવા લેવી પડે છે.’રોઇટર્સના અહેવાલ મુજબ, ટ્રમ્પે કહ્યું કે અન્ય દેશોએ અમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું કારણ કે અમારું નેતૃત્વ મૂર્ખતાભર્યુ હતું અને તેમણે આ બધુ થવા દીધું. તેમજ, અમેરિકા અને વિશ્વભરના વેપાર બજારોમાં ઉથલપાથલ પર, ટ્રમ્પે કહ્યું, ‘બજારો સાથે આગળ શું થશે તે હું કહી શકતો નથી. પણ અમારો દેશ હવે ઘણો મજબૂત છે.