પાકિસ્તાનમાં થયેલા આતંકવાદી હુમલા પર આપવામાં આવેલા નિવેદનોથી પરેશાન કોંગ્રેસે તેના નેતાઓને પાર્ટી લાઇનથી વિરુદ્ધ નિવેદનો ન આપવા સૂચના આપી છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું, “આ ક્રૂર આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની ભૂમિકા અંગે કોઈ શંકા નથી. કોંગ્રેસ પાર્ટીએ ઠરાવમાં પોતાના વિચારો સ્પષ્ટ કર્યા છે કે, આ સંવેદનશીલ સમયમાં આપણે એક થવાની જરૂર છે. કોંગ્રેસના નેતાઓ જે પણ નિવેદનો આપે છે તે તેમનો વ્યક્તિગત અભિપ્રાય હોઈ શકે. કોંગ્રેસ પાર્ટી આવા નિવેદનો સાથે સહમત નથી. કોંગ્રેસ કાર્યકારી સમિતિએ ઠરાવમાં બધું સ્પષ્ટ કર્યું છે. કોંગ્રેસ પ્રમુખ અને રાહુલ ગાંધી જે કંઈ કહે છે તે પાર્ટીનો અભિપ્રાય છે.
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ ધારાસભ્ય વિજય વડેટ્ટીવારે પહલગામ આતંકવાદી હુમલા પર વિવાદિત નિવેદન આપ્યું છે. ઉત્તરપ્રદેશ, કર્ણાટક, બિહાર, હરિયાણા સહિત અનેક રાજ્યોના નિર્દોષ પર્યટકોનો ધર્મ પૂછીને જીવ લેવાની ઘટના પર વિજય વડેટ્ટીવારે કહ્યું કે, આ વાત જ તદ્દન ખોટી છે, શું આતંકવાદીઓ પાસે એટલો સમય હતો કે, તેઓ દરેક પાસે જઈને તેનો ધર્મ પૂછે? વિજય વડેટ્ટીવારના આ નિવેદનની ચારેકોર ટીકા થઈ રહી છે. જ્યારે તેમના સમર્થકોએ તેમને સાથ આપ્યો છે. વિજય વડેટ્ટીવારે પહલગામ હુમલામાં ધર્મ પૂછીને હત્યા કરવાની ઘટનાને ખોટી ઠેરવતાં નિવેદન આપ્યું હતું કે, શું આતંકવાદીઓ પાસે એટલો સમય હતો, કે, તેઓ દરેકના કાનમાં જઈને તેના ધર્મ વિશે પૂછે? ઘણા સાક્ષીઓએ કહ્યું કે, આવું કંઈ બન્યુ નથી. આતંકવાદીઓની કોઈ જાતિ કે ધર્મ હોતો નથી. આ મામલે જવાબદાર લોકોની તાત્કાલિક ધોરણે ધરપકડ થાય. દેશવાસીઓની આ જ લાગણી છે. આ ઘટનાને કોઈ ધર્મનો રંગ આપવો ખોટું છે.
વિજયે કહ્યું કે, પહેલગામની જવાબદારી તો સરકારે જ લેવી જોઈએ. ત્યાં સુરક્ષા કેમ ન હતી. અંતે 200 કિમી સુધી આતંકવાદીઓ આવ્યા કેવી રીતે? શું તમારી ઈન્ટેલિજન્સ સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે? પોતાની ભૂલ સ્વીકારવાના બદલે તમે આ વાત પર ફોકસ કરી રહ્યા છો કે, ધર્મ પૂછીને માર્યા. શું આતંકવાદીઓ પાસે એટલો બધો સમય હતો કે, તેઓ લોકો પાસે જાય અને કાનમાં પૂછે કે, તમારો ધર્મ કયો છે. આ મામલાને અન્ય રૂપ આપવા કરતાં આતંકવાદીઓ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરો.