અમેરિકામાં ફરી એકવાર ઇસ્કોન મંદિર પર હુમલો થયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ પહેલા પણ
અમેરિકામાં હિંદુ મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો. કેટલાક લોકોએ ઉટાહના સ્પેનિશ ફોર્કમાં ઇસ્કોન
શ્રી શ્રી રાધા કૃષ્ણ મંદિરને નિશાન બનાવ્યું અને અનેક રાઉન્ડ ગોળીબાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
શું અમેરિકામાં કાયદો અને વ્યવસ્થાનો અપરાધીઓને કોઈ ડર જ નથી? અમેરિકામાં વારંવાર કેમ હિંદુ
મંદિરને ટાર્ગેટ કરવામાં આવે છે? આ મંદિરમાં મોડી રાત્રે ગોળીબાર થયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
આ મંદિરમાં દર વર્ષે વાર્ષિક હોળીની ઉજવણી કરવામાં આવે છે તેના કારણે તે વિશ્વ પ્રસિદ્ધ છે. ગઈ
રાત્રે મોડી રાત્રે મંદિરના પરિસરમાં 20થી 30 રાઉન્ડ ગોળીબાર થયો હતો. જેથી મંદિરને ઘણું નુકસાન
થયું છે. આ ગોળીબાર મામલે ઇસ્કોન મંદિરે એક્સ પર પોસ્ટ કરીને વિગતે જાણકારી આપી છે. એક્સ પર
પોસ્ટ કરતા ઇસ્કોન મંદિરે લખ્યું કે, હોળીના તહેવાર માટે વિશ્વ વિખ્યાત, ઉટાહ (યુએસએ) ના સ્પેનિશ
ફોર્કમાં આવેલા ઇસ્કોન શ્રી શ્રી રાધા કૃષ્ણ મંદિર પર તાજેતરમાં શંકાસ્પદ લોકો દ્વારા હુમલો કરવામાં
આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં, મંદિરની ઇમારત અને આસપાસની મિલકત પર 20-30 ગોળીઓ
ચલાવવામાં આવી હતી. આ ઘટનાઓ રાત્રિના સમયે બની હતી, જ્યારે ભક્તો અને મહેમાનો અંદર
હાજર હતા, અને તેના પરિણામે મંદિરના હાથથી કોતરેલા કમાનો સહિત હજારો ડોલર નુકસાન થયું છે.
આ સમગ્ર ઘટના ખૂબ જ નિંદનીય છે. જેના કારણે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે X પર
પોસ્ટ કરતા લખ્યું કે, ‘અમે સ્પેનિશ ફોર્ક, ઉટાહમાં ઇસ્કોન શ્રી શ્રી રાધા કૃષ્ણ મંદિરમાં તાજેતરમાં થયેલી
ગોળીબારની ઘટનાની સખત નિંદા કરીએ છીએ. કોન્સ્યુલેટ તમામ ભક્તો અને સમુદાયને પોતાનો સંપૂર્ણ
સમર્થન આપે છે અને સ્થાનિક અધિકારીઓને ગુનેગારોને ન્યાય અપાવવા માટે ઝડપી પગલાં લેવા
વિનંતી કરે છે’. આ ઘટનામાં સામેલ દરેક લોકો સામે કાર્યવાહી કરવા માટે માંગણી કરવામાં આવી છે.