છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસા દરમિયાન ઉત્તર ભારતના પર્વતીય રાજ્ય હિમાચલ પ્રદેશમાં પૂરને કારણે
તારાજી સર્જાઈ છે. આ વર્ષે પણ સતત પડી રહેલા વરસાદને કારણે નદીઓ ગાંડીતુર બની છે અને
કિનારા તોડીને વહી રહી છે, આ ઉપરાંત ઠેરઠેર ભૂસ્ખલનને કારણે પણ ભારે નુકશાન થયું છે. અહેવાલ
મુજબ રાજ્યમાં 37 લોકોના મોત થયા છે અને રાજ્યમાં વ્યાપક વિનાશ સર્જાયો છે. હિમાચલ પ્રદેશ સ્ટેટ
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના જણાવ્યા અનુસાર, 400 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિને નુકસાન થયું
છે, અને બચાવ કામગીરી ચાલી રહી છે, મૃત્યુઆંક વધવાની શક્યતા છે.
ભારતીય હવામાન વિભાગએ 7 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. કેટલાક પ્રદેશોમાં ભારે
વરસાદ પાડવાની શક્યતા છે. ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાને સૌથી વધુ અસર
પહોંચી છે. મંડીના થુનાગ સબડિવિઝનમાં વિનાશ સર્જાયો છે, જ્યાં રોડ-રસ્તા ધોવાઈ ગયા છે, અને
વીજળી અને પાણીના પુરવઠા જેવી જીવનજરૂરીયાત સર્વિસ ખોરવાઈ ગઈ છે.
સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના વરિષ્ઠ અધિકારીએ એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, “અમારી
સિસ્ટમમાં નોંધાયેલા મુજબ અત્યાર સુધીમાં ₹400 કરોડથી વધુનું નુકસાન થયું છે. પરંતુ વાસ્તવિક
નુકસાન ઘણું વધારે હોવાની શક્યતા છે. હાલમાં અમારું પ્રાથમિક ધ્યાન સર્ચ, રેસ્ક્યુ અને રિસ્ટોરેશન પર
છે.”