ઓડિસાની પુરીમાં શરૂ થયેલી ભગવાન જગન્નાથની રથયાત્રા આજે શનિવારે પૂર્ણ થશે. પુરીમાં જ ભગવાન જગન્નાથ હવે તેમના માસી ગુંડિચાના મંદિરમાં આરામ કર્યા પછી તેમના મંદિરમાં પાછા ફરવાના છે. આ દરમિયાન લાખો ભક્તો દર્શન માટે એકત્ર થયા છે. ભગવાને ગુંડિચા મંદિરમાં 9 દિવસ દિવ્ય વિશ્રામ લીધો હતો. હવે ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે તેમના મૂળ નિવાસસ્થાન શ્રીમંદિર પાછા ફરવાના છે. આ પવિત્ર યાત્રાને બહુડા યાત્રા કહેવામાં આવે છે. જે દર વર્ષે યોજાતી રથયાત્રાની પરત યાત્રા છે.
‘બહુડા’ શબ્દ ઓડિયા ભાષા પરથી આવ્યો છે. જેનો અર્થ ‘વાપસી’ થાય છે. આ દિવસે, ભગવાન ગુંડિચા મંદિરથી પાછા ફરે છે. ભક્તોની વિશાળ ભીડને ધ્યાનમાં રાખીને પુરી શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. બહુડા યાત્રા બહાર જતી રથયાત્રા જેવી જ છે. ફક્ત દિશા ઉલટી કરવામાં આવે છે. ત્રણેય વિશાળ રથ એટલે કે ભગવાન બલભદ્રના તાલધ્વજ, દેવી સુભદ્રાના દર્પદલન અને ભગવાન જગન્નાથના નંદીઘોષ પહેલાથી જ દક્ષિણ તરફ વળેલા છે અને હવે ગુંડિચા મંદિરના નાકાચણ દ્વાર પાસે પાર્ક કરેલા છે.
પુરીમાં સવારે 4:00 વાગ્યે મંગળા આરતીથી દિવસની શરૂઆત થઈ. તેની બાદ સૂર્યદેવ પૂજા કરવામાં આવી હતી. જ્યારે દ્વારપાલ પૂજા, ગોપાલ બલભ અને શકલ ધૂપ જેવા ધાર્મિક વિધિઓ કરવામાં આવી. સેનાપાતલાગી વિધિ દ્વારા ભગવાનને યાત્રા માટે તૈયાર કરવામાં આવ્યા હતા..પરંપરા મુજબ રથ ખેંચાણ દરમિયાન ભગવાનને માસી માતાના મંદિર (અર્ધસણી મંદિર) ખાતે થોડો સમય રોકાશે. ત્યાં તેમને પોડા પીઠા નામની ખાસ મીઠાઈનો ભોગ ધરાવવામાં આવશે. જે ચોખા, ગોળ, નારિયેળ અને દાળથી બનાવવામાં આવે છે.